થાણે: જાણીતી બ્રાન્ડનું કૂકિંગ ઑઈલ સસ્તા દરે સપ્લાય કરવાનું વચન આપી બે જણે થાણેના વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા.ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી ઑગસ્ટ, 2020થી મે, 2021 દરમિયાન થઈ હતી. અંબરનાથમાં રહેતા વેપારીની ફરિયાદને આધારે પોલીસે પુણેના વતની મૂકેશ પાંડે અને પલ્લવી રાઉત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ મામલે 31 ડિસેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ વેપારીનો સંપર્ક સાધ્યો હતો અને બજારભાવ કરતાં ઓછા ભાવે કૂકિંગ ઑઈલ સપ્લાય કરવાની ઑફર આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે આ ઑઈલના વેચાણમાંથી સારો નફો મળશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓ પર વિશ્ર્વાસ રાખી વેપારીએ અમુક ઈન્સ્ટોલમેન્ટમાં આરોપીને 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે નક્કી થયા અનુસાર કૂકિંગ ઑઈલનાં ક્ધસાઈન્મેન્ટની ડિલિવરી કરાઈ નહોતી. વારંવાર કહેવા છતાં આરોપીઓએ ઑઈલનો ઑર્ડર પૂરો પાડ્યો નહોતો એટલે વેપારીએ નાણાં પાછાં માગ્યાં હતાં.
પહેલાં ઉડાઉ જવાબ આપનારા આરોપીઓનો બાદમાં સંપર્ક તૂટી ગયો હતો. પરિણામે પોતે છેતરાયો હોવાની જાણ થતાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જોકે વેપારીએ આટલાં વર્ષો પછી શા માટે ફરિયાદ નોંધાવી તે અંગે પોલીસે કોઈ ચોખવટ કરી નહોતી. પોલીસે ગુનો નોંધી પાંડે અને રાઉતની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)