(અમારા પ્રતિનિધિ તરફથી)
ભચાઉઃ ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં સમાવાયેલા કચ્છ જિલ્લાની અઢી દાયકાથી અશાંત બનેલી ધરા આજે બુધવારે ફરી ધણધણી ઉઠી હતી અને ભચાઉથી ૧૦ કિલોમીટર દૂર, કરમરીયા ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતો, જમીનમાંથી માત્ર ૨૩.૫ કિલોમીટરની ઉંડાઇએથી ઉદ્દભવેલો ૩.ની તીવ્રતાનો ધરતીકંપનો વધુ એક આંચકો આવતાં ગભરાટ ફેલાયો હતો.
વિનાયક ચોથના સવારે ૧૦ અને ૪૯ કલાકે કચ્છની ધરતીને ધ્રુજાવનાર આ ભૂકંપના આંચકાની કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં વિશેષ અસર જોવા મળી હતી જેમાં કાચા-પાકાં મકાનોના બારી તથા બારણા ખખડવાની સાથે ભયના માર્યા લોકોએ પણ ઘરની બહાર દોટ મૂકી દીધી હતી. આ આંચકાની અનુભૂતિ છેક ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના શહેરોમાં વિશેષ કરીને ખખડેલી બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારોએ પણ કરી હતી.
નોંધનીય છે કે, કચ્છને તબાહ કરનારા ભયાનક ધરતીકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ચુક્યો છે ત્યારે સતત વધી રહેલી ભૂ-હલચલથી કચ્છીઓના માનસપટ પર અંકિત થઇ ગયેલી એ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના વિનાશક ભૂકંપની વરવી યાદો ફરી જીવંત થઇ ઉઠી હતી.