મકરંદ અને હર્ષિતા નાર્વેકર મેદાનમાં, સોમૈયાના પુત્ર નીલ સોમૈયાને પણ મુલુંડથી ઉમેદવારી
મુંબઈઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે પક્ષો તેમના ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બીએમસીની ચૂંટણી માટે 66 ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી છે, જે ઉમેદવારોને નામાંકિત કરવામાં આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના પરિવારના બે સભ્યનો સમાવેશ થાય છે.
રાહુલ નાર્વેકરના ભાઈ અને તેમની પત્ની આ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે દક્ષિણ મુંબઈના કોલાબાના વોર્ડ નંબર 226માંથી રાહુલ નાર્વેકરના ભાઈ મકરંદ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. જયારે રાહુલ નાર્વેકરની ભાભી હર્ષિતા નાર્વેકરને ભાજપે વોર્ડ નંબર 227માંથી ટિકિટ આપી છે. આ યાદીમાં પીઢ રાજકારણી કિરીટ સોમૈયાના પુત્ર નીલ સોમૈયાનો પણ સમાવેશ થાય છે. ભાજપે નીલને મુલુંડ પશ્ચિમના BMC વોર્ડ 107થી નોમિનેટ કર્યા છે.
રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ અગાઉ શિવસેનામાં હતા, પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળતા તેઓ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં જોડાયા હતા. જો કે, તેઓ NCPની ટિકિટ પર માવલ બેઠક હારી ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ પાર્ટી સાથે રહ્યા અને તેમને સ્પીકરનું મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું.
ટિકિટ વિતરણને લઈને અસંતોષ
મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી માટે ભાજપે મોટા ભાગની બેઠકો પર શિવસેના સાથે જોડાણ જાળવી રાખ્યું છે. અજિત પવાર સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કેટલીક બેઠકો પર શરદ પવાર જૂથ સાથે ગઠબંધન પણ કર્યું છે.
ભાજપના પહેલા અજિત પવારની NCPએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. મુસ્લિમ ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઈને NCPમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીના ઘણા કાર્યકરો નવાબ મલિકથી નારાજ છે. મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા બદલ NCPની યાદીથી તેઓ નારાજ છે. તેવી જ રીતે, ઘણા ભાજપના કાર્યકરો પણ નારાજ છે.