મુંબઈઃ 2025નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે પરિવર્તનકાળ બની ગયું જેમાં ભારતીય પુરુષ ક્રિકેટરોની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તથા ટી-20ના એશિયા કપમાં, મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં તેમ જ મહિલાઓના બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનવાની અપ્રતિમ સફળતાઓ આપણે જોઈ, પરંતુ ભારતીય ક્રિકેટ સામે અને જેમાં ખાસ કરીને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સમક્ષ હવે 2026ના વર્ષમાં કેટલાક અગત્યના અને ચર્ચાસ્પદ મુદ્દા રહેશે જેના ઉકેલ કઠિન બની રહેવાની સાથે રસપ્રદ પણ બની રહેશે.
પુરુષોની વાઇટ-બૉલ ક્રિકેટમાં એટલે કે મર્યાદિત ઓવર્સની (વન-ડે અને ટી-20) મૅચોમાં ભારતીયો એકંદરે સારું પર્ફોર્મ કરી રહ્યા છે, પણ રેડ બૉલ ક્રિકેટ (ટેસ્ટ ફૉર્મેટ)માં ભારતીયોનો પર્ફોર્મન્સ મોટી ચિંતા સમાન છે.
2025ના વર્ષ (Year 2025)માં ભારતીય ટેસ્ટ ક્રિકેટે (નિવૃત્તિ લેનાર) બે રત્નો ગુમાવ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટમાંથી અકાળે રિટાયરમેન્ટ લઈ લીધું. 2024ના અંતભાગમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેના 0-3ના આઘાતજનક ટેસ્ટ-પરાજય બાદ ઑસ્ટ્રેલિયા સામેના 1-3ના અને સાઉથ આફ્રિકા સામેના 0-2ના પરાભવના આંચકાને નજરઅંદાજ ન કરી શકાય, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ સામેની 2-0ની જીત તથા ઇંગ્લૅન્ડ સામેની 2-2ની ડ્રૉ સિરીઝ પછી પણ સૌથી મોટા સવાલ એ છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર પર બીસીસીઆઇ (BCCI) હવે ક્યાં સુધી અને કેટલો મદાર રાખશે.
શુભમન ગિલની કૅપ્ટન્સી પણ ચર્ચાનો વિષય બનશે, જ્યારે ટી-20નો સુકાની સૂર્યકુમાર યાદવ કૅપ્ટન તરીકે સફળતા મેળવી રહ્યો છે, પરંતુ ગિલની માફક તેનું બૅટિંગ-ફૉર્મ ચિંતા કરાવનારું છે. ઊલટાનું, દોઢ દાયકાની કરીઅરમાં હવે સંપૂર્ણ નિવૃત્તિની નજીક પહોંચી ગયેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી સારું રમી રહ્યા છે. રોહિત હાલમાં વન-ડેમાં વર્લ્ડ નંબર-વન અને વિરાટ નંબર-ટૂ છે. ટેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપ (WTC)માં પણ બે વર્ષથી ભારતની હાલત સારી નથી રહી.
2027નો વન-ડે વર્લ્ડ કપ હજી ઘણો દૂર છે એટલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્યાં સુધી વન-ડે ટીમમાં સ્થાન જાળવી શકશે કે કેમ એ આવનારો સમય બતાવશે. હાલમાં તો તેઓ વન-ડેમાં ટીમ ઇન્ડિયાના બે આધારસ્તંભ છે, પણ આવનારા મહિનાઓમાં તેમનું ભાવિ ઘડાઈ જશે. બની શકે કે જેમ એમએસ ધોની આઇપીએલમાંથી નિવૃત્ત થવા ઇચ્છતો હોવા છતાં લોકલાગણીને માન આપીને હજી રમતો રહ્યો છે એમ રોહિત અને વિરાટ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હજી દોઢ-બે વર્ષ રમતા રહેશે.
2026માં ત્રણ વર્લ્ડ કપ આવી રહ્યા છે એટલે ભારતીયો એની તૈયારી કેવી કરશે અને એમાં કેવું રમશે એ પણ ચર્ચાનો વિષય છેઃ (1) જાન્યુઆરીમાં મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (2) ફેબ્રુઆરીમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપ (3) જૂનમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ.