અમદાવાદ: સોશિયલ મીડિયા પોસ્ટ ઘણીવાર વિવાદનું કારણ બને છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામ ખાતે બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક માહોલનું નિર્માણ થયું હતું. સોશિયલ મીડિયા પોસ્ટ અને સામાન્ય બોલાચાલી બાદ મામલો એટલો બિચકયો કે સોમવારે રાત્રે અને મંગળવારે સવારે સામસામે પથ્થરમારો થયો હતો. સમગ્ર ગામમાં હિંસક માહોલનું નિર્માણ થયા પછી પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
"મારી સામે કેમ જુએ છે?"
સાણંદના કલાણા ગામમાં બે જૂથના યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે અને વર્ચસ્વની લડાઈને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે સોમવારે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. એક જૂથના યુવકે બીજા જૂથના યુવકને "મારી સામે કેમ જુએ છે?" કહીને ઝઘડો કર્યો હતો, જેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.
બોલાચાલીથી શરૂ થયેલી તકરારે મારામારીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું. બંને પક્ષ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. ગામમાં ઠેર-ઠેર ઈંટો અને પથ્થરોનો ખડકલો જોવા મળ્યો હતો અને અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારામાં બે જણને ઈજા પહોંચી છે, જ્યારે સંબંધિતો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે સંદીગ્ધ લોકોની કરી અટકાયત
કલાણા ગામમાં થયેલા પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ સાણંદ GIDC પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કોમ્બિંગ કરીને ઘટનામાં સંડોવાયેલા 40થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. પોલીસ ગામમાં પ્રવેશી ત્યારે આખું ગામ ખાલી જોવા મળ્યું હતું. પોલીસે જે ઘરો અને વિસ્તારોમાંથી પથ્થરમારો થયો હતો ત્યાં તપાસ કરી DVR (CCTV રેકોર્ડિંગ) કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધવી છે.
જિલ્લા પોલીસ વડા (SP)ના જણાવ્યા અનુસાર "સોશિયલ મીડિયા પર વર્ચસ્વ જમાવવાની બાબતે મનદુખ થયું હતું. જેની પણ સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." ગામમાં ફરીથી કોઈ વિવાદ ન સર્જાય તે માટે હાલ કલાણા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.