Thu Jan 01 2026

Logo

White Logo

અમદાવાદમાં વધશે ટ્રાફિકનું ભારણ! બુલેટ ટ્રેનની : કામગીરીને પગલે શાહીબાગ અંડરપાસ બંધ

23 hours ago
Author: Tejas Rajapara
Video

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી કડી સમાન બ્રિજ અને અંડરપાસ એકપછી એક બંધ થઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલેથી જ મુખ્ય બ્રિજ બંધ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે, ત્યારે હવે વધુ એક મહત્વનો માર્ગ બંધ થવાની જાહેરાત થતા શહેરીજનોની હાલાકીમાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો પર નિર્ભર રહેવું પડશે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે શાહીબાગ અંડરપાસ ખાતે મહત્વનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાથી આગામી ૫ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી આ અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સતત આઠ દિવસ સુધી આ માર્ગ બંધ રહેવાના કારણે એરપોર્ટ અને ગાંધીનગર તરફથી આવતા ટ્રાફિકને મોટી અસર થશે.

તંત્ર દ્વારા વાહનચાલકોની સુવિધા માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે લોકો એરપોર્ટ અથવા ગાંધીનગરથી શાહીબાગ, દિલ્હી દરવાજા કે કાલુપુર તરફ જવા માંગતા હોય, તેમણે હવે ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને શિલાલેખ સોસાયટી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, આ ડાયવર્ઝન માત્ર નાના વાહનો માટે સરળ રહેશે, કારણ કે રિવરફ્રન્ટ પર મોટા વાહનો માટે અમુક નિયમો લાગુ પડે છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ અગાઉથી જ બંધ છે, જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઓલરેડી વધી ગયું છે. રિવરફ્રન્ટ પર રિક્ષા અને ખાનગી બસોના પ્રવેશ પર નિયંત્રણો હોવાથી તેમના માટે કોઈ સ્પષ્ટ વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યો નથી. આ ઉપરાંત, દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસ (AMTS/BRTS) ના રૂટમાં પણ મોટા ફેરફારો થવાને કારણે સામાન્ય મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.

આગામી દિવસોમાં જ્યારે હજારો વાહનો એકસાથે ડાયવર્ટ કરવામાં આવશે, ત્યારે શાહીબાગ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ શકે છે. એક તરફ વિકાસની ગતિ સમાન બુલેટ ટ્રેનનું કામ છે, તો બીજી તરફ શહેરીજનોની રોજિંદી હાલાકી છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ સ્થિતિને પહોંચી વળવા માટે વધારાના કેવા પગલા ભરે છે.