2025 વિદાય લઈ રહ્યું છે અને ગણતરીના કલાકોમાં જ 2026નું વર્ષ શરૂ થઈ જશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2026ની શરૂઆત ખગોળીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેવાની છે. જાન્યુઆરી, 2026માં એક દુર્લભ સંયોગ જોવા મળશે. આ મહિનામાં ચાર મુખ્ય ગ્રહો એક જ રાશિમાં ગોચર કરશે. એક જ રાશિમાં ચાર ગ્રહો એક સાથે આવી જતાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે, જેની સીધી અસર તમામ ૧૨ રાશિઓ પર પડશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં મકર રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય, સાહસના કારક મંગળ, બુદ્ધિના દાતા બુધ અને સુખ-વૈભવના સ્વામી શુક્ર એમ ચારેય ગ્રહો મકર રાશિમાં બિરાજમાન થશે. 14મી જાન્યુઆરીના ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. જ્યારે 17મી જાન્યુઆરીના રોજ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાં ગોચર કરશે.
સૂર્ય-બુધની સાથે સાથે મંગળ અને શુક્ર પણ મકર રાશિમાં ગોચર કરશે, જેને કારણે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની અસર ત્રણ રાશિઓ પર વિશેષ જોવા મળશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે લાભદાયી સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ ચતુર્ગ્રહી યોગ તેમના 'કર્મ' ભાવમાં બની રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકો માટે આ સુવર્ણ સમય છે. પ્રમોશન, બોનસ અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે નવા સોદા અને ભાગીદારી ફાયદાકારક રહેશે. રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે. આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ ગોચર ચોથા ભાવમાં થશે, જે સુખ-સુવિધા અને મિલકતનો ભાવ ગણાય છે. લાંબા સમયથી ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળામાં તમારું સપનું સાકાર થઈ શકે છે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળશે જે ભવિષ્યમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો લાભદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે. સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા અધૂરા રહેલા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.