અમદાવાદઃ AMC દ્વારા શહેરના તળાવોની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં ફરી એક વખત બુલડોઝર ચાલ્યું હતું. કુબેરનગર વિસ્તારમાં ITI રોડ પર આવેલા બળદેવનગરમાં કમલ તળાવ વિસ્તાર આવેલો છે. અહીં છેલ્લા અનેક વર્ષોથી આ તળાવની જગ્યામાં 150 મકાનો અને ઝૂંપડા ઊભા કરી દેવામાં આવ્યા હતા. વોટર બોડીની જગ્યામાં રહેલા દબાણોને દૂર કરવા માટેની સૂચના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન પ્રક્રિયા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
તળાવમાં આશરે 150 જેટલા દબાણો હતા, જેને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલાઓ અને બાળકો બેઘર થતા રડી પડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કમલ તલાવડી વિસ્તારમાં નાના-મોટા 150 જેટલા મકાનો આવેલા છે, જેને સવારથી ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ જગ્યામાં રહેનારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે જાણ કરવામાં આવી છે. તેમના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. અહીં રહેતા સ્થાનિકોએ જણાવ્યું કે, અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. અમારું મકાન તમે પાડી દો એનો વાંધો નથી પણ અમને સામે રહેવા માટે બીજી જગ્યા પણ આપો એવી અમારી માંગણી છે.
નવેમ્બરમાં ઈસનપુર તળાવમાં દબાણ હટાવાયું હતું
થોડા દિવસ પહેલા ઈસનપુર તળાવ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. લગભગ 1,000થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 20 જેટલા JCB મશીનો અને 500થી વધુ મ્યુનિસિપલ કર્મચારીઓ અને મજૂરોની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈનાત કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ તળાવને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો અને વરસાદી પાણીના સંગ્રહ માટેની ક્ષમતા વધારવાનો હતો. ઈસનપુર તળાવનું ડિમોલિશન એ ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી બાદનું બીજું મોટું ઓપરેશન હતું.
ચંડોળા તળાવમાં સૌથી મોટું ડિમોલિશન થયું હતું
અમદાવાદના ઇતિહાસમાં સૌથી વિશાળ ડિમોલિશન કાર્યવાહી 29 એપ્રિલ, 2025ના રોજ ચંડોળા તળાવ ખાતે થઈ હતી. આ ઓપરેશનના પ્રથમ તબક્કામાં 50 JCB મશીનોની મદદથી 4,000 કાચા-પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જેના થકી 1.50 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ, બીજા તબક્કામાં 20 મે, 2025ના રોજ વધુ 8,500 જેટલા કાચા-પાકા બાંધકામો દૂર કરી કુલ 2.50 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું હતું.