Sat Dec 13 2025

Logo

White Logo

મજબૂત માગને ટેકે નવેમ્બરમાં : પેસેન્જર વાહનોની ડીલરોને રવાનગીમાં 19 ટકાનો ઉછાળોઃ સિઆમ

7 hours ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનામાં તહેવારોની પ્રબળ માગને ટેકે પેસેન્જર વાહનોની ડીલરોને રવાનગી નવેમ્બર, 2024નાં 3,47,522 યુનિટ સામે 18.7 ટકા ઉછળીને 4,12,405 યુનિટની સપાટીએ રહી હોવાનું ઔદ્યોગિક સંગઠન સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ) દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર દેશની અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાની ગત નવેમ્બર મહિનામાં રવાનગી નવેમ્બર, 20024નાં 1,41,312 યુનિટ સામે 21 ટકા વધીને 1,70,971 યુનિટના સ્તરે રહી હતી. આ સિવાય મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાની રવાનગી 22 ટકા વધીને 56,336 યુનિટ (46,222 યુનિટ) અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિ,ની ડીલરોને રવાનગી ચાર ટકા વધીને 50,340 યુનિટ (48,246 યુનિટ)ના સ્તરે રહી હતી. 

વધુમાં ગત નવેમ્બર મહિનામાં દ્વીચક્રી વાહનોની રવાનગીઓ વર્ષાનુવર્ષ ધોરણે 21 ટકા વધીને 19,44,475 યુનિટ (16,04,749 યુનિટ)ના સ્તરે રહી હતી. જેમાં સ્કૂટરનું વેચાણ 29 ટકા વધીને 7,35,753 યુનિટ (5,68,580 યુનિટ) અને મોટરસાઈકલની રવાનગી 17.5 ટકા વધીને 11,63,751 યુનિટ (9,90,246 યુનિટ)ના સ્તરે રહી હતી. જોકે, ગત નવેમ્બર મહિનામાં મોપેડનું વેચાણ અથવા તો રવાનગીઓ બે ટકાના ઘટાડા સાથે 44,971 યુનિટ (45,923 યુનિટ)ની સપાટીએ રહી હતી. આ સિવાય ત્રિચક્રી વાહનોનું ગત નવેમ્બરમાં વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 21 ટકા વધીને 71,999 યુનિટની સપાટીએ રહ્યું હતું. 

એકંદરે ગત નવેમ્બર મહિનામાં તહેવારોની મોસમની માગ ઉપરાંત સરકાર દ્વારા જીએસટી 2.0 સુધારા હાથ ધરતાં વેરાના દરમાં ઘટાડો કરવાને કારણે મજબૂત માગ જોવા મળી હોવાનું સિઆમના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવતાં ઉમેર્યું હતું કે ગત નવેમ્બર મહિનામાં પેસેન્જર વાહનો, દ્વીચક્રી વાહનો અને ત્રિચક્રી વાહનોનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું. વધુમાં ઉદ્યોગને આશા છે કે સરકારના નીતિવિષયક સુધારાને ટેકે આગામી વર્ષ 2026માં પણ વૃદ્ધિદર જળવાયેલો રહેશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.