Thu Jan 01 2026

Logo

White Logo

અલખનો ઓટલોઃ ‘મેં અલેકિયા પીર પછમ રા, : સતની ઝોળી મેરે કાંધે ધરી’ના ગાનારા મુંડિયાસ્વામી

3 days ago
Author: Mumbaisamachar Team
Video

પોષ વદી ત્રીજના દિવસે મુંડિયાસ્વામીના નામે ઓળખાતા સ્વામી દયાનંદજીએ આજથી 9પ વ2સ પહેલાં વિ.સં.198પમાં  જામનગરમાં પોતાના ગુરુ બ્રહ્માનંદજીની સમાધિ પાસે સત્યોત્તેર વર્ષની વયે દેહ છોડ્યો હતો એવા એક ભજનિક સંતનો જન્મ ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશીરામ અને પાનબાઈને ત્યાં ઈ.સ. 1852માં વિ.સં. 1908માં ભાદ2વા સુદ 15 સોમવારે થયેલો. 

જામનગરના સાધુ બ્રહ્માનંદજી પાસે ઈ.સ. 1886માં દીક્ષા લીધેલી. એ પહેલાં તેઓ જૂનાગઢના રેવન્યુ ખાતામાં તલાટીની નોકરી કરતા. એ ગામના નવાબ શેર જુમાખાનજીએ પોતાના કોઠારી તરીકે પણ નીમેલા. એકવારવિના કારણ નિરપરાધીને દંડ કર્યેા, પાછળથી પશ્ચાતાપ થતાં રાજીનામું આપી સન્યસ્ત ધર્મ સ્વીકાર્યેા. 

પાંચાળમાં થાન પાસે બાંડિયાબેલી સ્થાન નજીક નાની ગુફામાં એકાન્તવાસમાં રહ્યા.બાંડિયાબેલી સ્થાને કાઠિયાણી રાધાબાઈને બહેન માનીને શિષ્યા બનાવી સાધના દીક્ષા આપેલી અને નામ આપેલું રત્નગિરિ...પછી થાન છોડી કચ્છમાં ચાલી નીકળ્યા. રાપર તાલુકાના વિધ્રોયા ડુંગર ઉપર નજર ઠરી, ગુફા બનાવી સાધના શરૂ કરી. ભભૂતગિરિ જેવા સિદ્ધ મિત્ર પણ મળ્યા, પછી ભીમાસરના તપસ્વી મૌની  જ્ઞાનગિરિને મળ્યા. એમણે વાણીપ્રસાદ આપ્યો અને કવિતાની સરવાણી ફૂટી નીકળી. ત્યાંથી અંજાર પહોંચ્યા. અજેપાળ જગ્યાના મહંત મોકમગિરિએ સ્વાગત ર્ક્યું. અને સાત મસાણ નામના સ્થળે દયાનંદે ધૂણો ચેતાવ્યો. અન્નક્ષેત્ર શરૂ કરીને જોળી ફેરવતા.

મોરબી ઠાકોર વાઘજીએ આમંત્રણ આપ્યું. વિ.સં. 1963 ચૈત્રસુદ 15 ના રોજ ઈ.સ. 1907માં મોરબી આવ્યા. અને સવરામંડપનું આયોજન કર્યું. દૂધરેજ મહંત રઘુદાસજીએ વ્યવસ્થા સંભાળેલી. એમના ઉપદેશથી વાઘજી ઠાકોરે આજીવન શિકાર છોડ્યો. જામ રણજિતે જામનગર બોલાવ્યા અને જગ્યા આપી. ઈ.સ. 1922માં નાગમતી નદીના કાંઠે એમણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર બંધાવ્યું. મહારૂદ્ર યજ્ઞ કરાવ્યો. રાજ્યમાં શિકારની મનાઈ ફરમાવી. એમનાં શિષ્યા રતનગિરિનું અન્નક્ષેત્ર મેંદરડા ગામે હતું.  

ખંભાળિયા પાસે ધીંગેશ્વર મુંડિયાસ્વામીનું ગુરુસ્થાન હતું. ત્યાં પણ અન્નક્ષેત્ર શરૂ કરાવેલું. મહાત્મા ગાંધીજીએ મુંડિયા સ્વામીની મુલાકાત લીધેલી. પછી ધ્રાંગધ્રાના દેશળ ભગત સાથે પણમુલાકાત કરેલી. કચ્છના જંગીના બાવા દેવીદાસને મળવા ગયેલા, અને સંતમેળો કરેલો. વિ.સં. 198પ  પોષ વદી ત્રીજ ઈ.સ.1929 નાગમતીના કાંઠે જામનગરમાં ગુરૂ બ્રહ્માનંદની સમાધિ પાસે સમાધિસ્ત અવસ્થામાં વિદાય લીધી.

તેમના શિષ્ય સ્વામી દુર્ગાનંદજીએ ઈ.સ. 1978માં મુંડિયા સ્વામીનું વિસ્તૃત જીવનચરિત્ર પ્રગટ કરેલ છે. કવિરાજ મેઘરાજજી હમીરજી દ્વારા ‘સ્વામી શ્રી દયાનંદગિરિ સુયશ પ્રકાશ’ નામે પુસ્તકમાં પદ્યમાં જીવનચરિત્ર અપાયું છે. મુંડિયાસ્વામી દ્વારા લખાયેલાં ‘મોક્ષ્ા સોપાન’ કુદરત કલા ને તીર્થ વિલાસ, ‘બ્રહ્મવિલાસ’, ‘બ્રહ્મ ગાયત્રી’, ‘શિષ્ય ધર્મોપદેશિકા’ જેવાં પુસ્તકો પણ પ્રકાશિત થયેલાં છે. 

બ્રહ્મનિષ્ઠ મુંડિયાસ્વામી દયાનંદગિરિજી ગુરુ બ્રહ્માનંદગિરિ કૃત ગુજરાતી-હિન્દી અને વ્રજભાષામાં રચેલી ચિંતામણિઓ, ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગી સંતવાણી ભજનો, રાસ, પદ, સામૈયાંનાં પદો, થાળ, ચાબખા, ગઝલ-કવ્વાલી, પ્રભાતી, આરતી, રામગરી, રાસડા, કીર્તન, ધોળ, શાસ્ત્રીય રાગદારી ભજનો, બારમાસી (બારમાસનો રાસડો) વગેરે 500 જેટલી રચનાઓનો સંચય ‘મનપ્રબોધ ભજનાવળી’ (ઈ.સ. 1927) નામે ગ્રંથમાં ચાર વિભાગમાં પ્રકાશિત થયો છે.. 

પરબ સ્થાનના સાધુઓને ‘મુંડિયા’ તરીકે ઓળખાવવામાં આવે છે. દયાનંદજીને ઈ.સ.1872માં જેમણે વિદાય લીધી એ પરબના મહંત અમરીમાતા તથા એ પછી થયેલા મહંતો સાથે સંબંધ હશે. તેઓ જામનગરના બ્રહ્માનંદ સ્વામી પાસે દીક્ષા લઈને સન્યાસી થયા એ પહેલાં કદાચ પરબ સાથે સંકળાયેલા હશે એમ લાગે છે. કારણ કે તેઓ મુંડિયાસ્વામીના નામે ઓળખાતા હતા. વળી એમની મેં અલેકિયા પીર પછમરા... મેં અલેકિયા પીર પરબરા સતની ઝોળી મેરે કાંધે ધરી...’ એ રચના પરબના મહંત ભજનિક સેવાદાસજી બાપુ તથા ભજનિક કાનદાસજી બાપુ દ્વારા અનેક વાર ગવાતી રહી છે. 

આવા સંતોના આંતર સંબંધો ન સમજી શકાય તેવા હોય છે. તે પાછળથી નિર્ગુણ ઉપાસક-વેદાન્તી સન્યાસી થયા હોવા છતાં પૂર્વ જીવનમાં જૂનાગઢમાં નોકરી કરતા હતા અને વૈરાગ્ય ઉત્પન્ન થતાં રાજીનામું આપીને સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો એ ગાળામાં પરબના સ્થાન સાથે સંકળાયા હોવાનો સંભવ છે.

મેં અહાલેકિયા પીર પછમ રા, સતની જોળી મારે કાંધે ધરી,
મેં અહાલેકિયા પીર પરબ રા, સતની જોળી મારે કાંધે ધરી,
પીધો પિયાલો મેં તો લગન કરી, હો, 
- મેં અહાલેકિયા પીર પછમરા....
પાંચ રંગકા લિયા કપડા, શીત સંતોષ માંહે તાર ભરી,
પ્રેમને પડકારે જોળી નીકળી, જોળી હો ગઈ ખરેખરી... 
-  મેં અહાલેકિયા પીર પછમરા....
પાંચ ફળિયાં, પચીસ મેડીયું, નવ દરવાજે જોયું ફરી,
ચાર પાંચ માંહે ખેલે જુગટીયા, ઉનકું મેલ્યા પરહરી... 
-  મેં અહાલેકિયા પીર પછમરા....
ઓહમ અંચળા, સોહમ્ ચિપિયા, જ્ઞાન વિભૂતીમાં રેવું ભળી,
દશમે દરવાજે અલેક જગાવી, સારા શહેરમાં ખબરું પડી ...  
-  મેં અહાલેકિયા પીર પછમરા....
એક શબ્દ દીધો સાહેબજીએ, લીધો અલેકીયે લગન કરી,
એક શબ્દ મુંને દીધો અલખ રો, પકડ્યો અલેખીયે લગન કરી,
દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે ચોરાશીમાં નાવું ફરી...
-  મેં અહાલેકિયા પીર પછમરા....
        (આ ભજનમાં ‘મેં અહાલેકિયા પીર પરબ રા...’  
એમ પણ અનેક ભજનિકો દ્વારા ગવાય છે..)