Sun Dec 14 2025

Logo

White Logo

દિલ્હીની હવાની ગુણવત્તા ફરી બગડી: આકરા પ્રતિબંધો સાથે GRAP-4 લાગૂ : આકરા પ્રતિબંધો સાથે GRAP-4 લાગૂ

9 hours ago
Author: mumbai samachar teem
Video

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને દિલ્હી NCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણે ફરી એકવાર માઝા મૂકી છે. હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચતા વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ (CAQM) દ્વારા શનિવારે સાંજે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાક રીતે 441 પર પહોંચી જતાં તંત્રએ તાત્કાલિક અસરથી 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP) નો ચોથો તબક્કો એટલે કે GRAP-4 લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

શનિવારે પ્રદૂષણના આંકડામાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો હતો. સાંજે 4 વાગ્યે AQI 431 નોંધાયો હતો, જે માત્ર બે જ કલાકમાં વધીને 441 પર પહોંચી ગયો હતો. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પવનની અત્યંત ધીમી ગતિ અને વાતાવરણમાં છવાયેલી સ્થિરતાને કારણે પ્રદૂષિત કણો હવામાં જ જકડાઈ ગયા છે. પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે CAQM એ NCRના તમામ વિસ્તારોમાં ગાઇડલાઇન્સનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે.

GRAP-4 લાગુ થતાની સાથે જ દિલ્હી-NCRમાં તમામ પ્રકારના બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, પથ્થર તોડવાના મશીનો (સ્ટોન ક્રશર) અને ખનન પ્રવૃત્તિઓ પણ બંધ રહેશે. વાહન વ્યવહારની વાત કરીએ તો, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદ જેવા શહેરોમાં BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ધરાવતા ચાર પૈડાંના વાહનો ચલાવવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

નાના બાળકોને ઝેરી હવાની અસરથી બચાવવા માટે શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ધોરણ 5 સુધીની તમામ શાળાઓને હવે હાઇબ્રિડ મોડમાં ચલાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી વાલીઓ બાળકોને ઘરે રાખીને સુરક્ષિત રાખી શકે. તંત્રએ તમામ એજન્સીઓને એલર્ટ કરી છે અને પ્રદૂષણના નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

સામાન્ય રીતે AQI 450 થી ઉપર જાય ત્યારે GRAP-4 લાગુ કરવામાં આવે છે, પરંતુ આ વખતે તંત્રએ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વહેલા આ પગલું ભર્યું છે. ડૉક્ટરોએ વૃદ્ધો અને શ્વાસની બીમારી ધરાવતા લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવા અથવા જરૂર પડે તો માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આગામી થોડા દિવસો સુધી આ પ્રતિબંધો યથાવત રહે તેવી શક્યતા છે.