Thu Dec 25 2025

Logo

White Logo

ભારતની આ પીઢ બોલરે એક વિકેટ લીધી એટલે : પહેલી વખત બની ગઈ વર્લ્ડ નંબર-વન!

DUBAI   1 day ago
Author: Ajay Motiwala
Video

દુબઈઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટી-20 મહિલા બોલિંગના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ સ્પિનર દીપ્તિ શર્મા (Deepti Sharma) પહેલી જ વખત વર્લ્ડ નંબર-વન બની છે.

નવાઈની વાત એ છે કે ઑફ-સ્પિનર દીપ્તિએ રવિવારે વિશાખાપટનમમાં 20 રનમાં એક વિકેટ લીધી હતી. જોકે એ પર્ફોર્મન્સ તેને નંબર-વનની રૅન્ક પર પહોંચાડવા માટે પૂરતો હતો. 

28 વર્ષીય દીપ્તિએ નંબર-વનના સ્થાનેથી ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર ઍનાબેલ સધરલૅન્ડને હટાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના 837 પૉઇન્ટ છે ઍનાબેલથી એક પૉઇન્ટ આગળ થઈ ગઈ છે. ઍનાબેલના 836 પૉઇન્ટ છે. ભારતની જ પેસ બોલર અરુંધતી રેડ્ડી પાંચ ક્રમ આગળ આવીને હવે 36મા નંબર પર છે, જ્યારે સ્પિનર શ્રી ચરની 19 પૉઇન્ટનો કૂદકો લગાવીને 69મા ક્રમ પર આવી ગઈ છે.

ટી-20 બૅટિંગમાં ભારતની રવિવારની શ્રીલંકા સામેની પ્લેયર ઑફ ધ મૅચ જેમાઇમા રૉડ્રિગ્સ (44 બૉલમાં અણનમ 69) પાંચ ક્રમના જમ્પ સાથે નવમા નંબર પર આવી ગઈ છે, જ્યારે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના આ લિસ્ટમાં હજી પણ મોખરાની ભારતીય છે. તે ત્રીજા સ્થાને છે. શેફાલી વર્મા એક ક્રમ નીચે ઊતરીને હવે 10મા સ્થાને છે.

વન-ડેના બૅટિંગ ક્રમાંકોમાં સાઉથ આફ્રિકાની લૉરા વૉલવાર્ટે સ્મૃતિ મંધાનાની પ્રથમ રૅન્ક આંચકી લીધી છે. વૉલવાર્ટના 820 રેટિંગ પૉઇન્ટ છે, જ્યારે સ્મૃતિના નામે 811 પૉઇન્ટ છે.