Thu Dec 25 2025

Logo

White Logo

વિજય હજારે ટ્રોફીમાં બિહારનું વાવાઝોડું: : 50 ઓવરમાં 574 રનનો પહાડ, ત્રણ સદી, આ રેકોર્ડ્સ તૂટ્યા

14 hours ago
Author: Savan Zalariya
Video

રાંચી: વિજય હજારે ટ્રોફી (VHT) 2025-26ની શરૂઆત ધમાકેદાર રહી, રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ ખાતે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં પહેલા બેટિંગ કરતા બિહારની ટીમે 6 વિકેટ ગુમાવીને 574 રનનો વિશાળકાય સ્કોર ખડક્યો. આ સાથે બિહારની ટીમે લિસ્ટ-A વન-ડે મેચમાં સૌથી વધુ ટીમ ટોટલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. બિહાર તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી.

લિસ્ટ-A વન-ડે મેચમાં સૌથી વધુ ટીમ ટોટલનો રેકોર્ડ અગાઉ તમિલનાડુની ટીમના નામે હતો. વર્ષ 2022ની વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુએ અરુણાચલ સામે 2 વિકેટ ગુમાવીને 50 ઓવરમાં 506 રન બનાવ્યા હતાં, હવે બિહારે 574 રન બનાવીને આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

ત્રણ ખેલાડીઓની સદી:

બિહાર તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 84 બોલમાં 190 રનની શાનદાર ઇનિંગ રમી, ત્યાર બાદ આયુષ લોહારુકાએ 56 બોલમાં 116 રન અને કેપ્ટન સાકીબુલ ગનીએ માત્ર 40 બોલમાં 128 રનની ધુંઆધાર ઇનિંગ રમી. પિયુષ કુમાર સિંહે પણ 66 બોલમાં 77 રનનું યોગદાન આપ્યું, જ્યારે મંગલ માહરોરએ 33 રન બનાવ્યા.

વૈભવનું પ્રરાક્રમ:

ઓપનીંગમાં આવેલા વૈભવે માત્ર 36 બોલમાં લિસ્ટ-A ક્રિકેટમાં તેની પ્રથમ સદી પૂરી કરી, આ સાથે જ તે લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો, આ ઉપરાંત વૈભવ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીની યાદીમાં બીજા ક્રમે આવી ગયો, (જોકે ત્યાર બાદ સાકીબુલ ગનીએ તેને ત્રીજા ક્રમે મોકલી દીધો).

ત્યાર બાદ વૈભવે 54 બોલમાં 150 રન પુરા કરીને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ 84 બોલમાં 190 રન બનાવીને આઉટ થયો, ત્યારે બિહારનો સ્કોર 27 ઓવરમાં 260 રન હતો.

વૈભવ બાદ આયુષ અને સાકીબુલે કમાન સંભાળી:

વૈભવના આઉટ થયા બાદ વિકેટ-કીપર બેટર આયુષ લોહારુકાએ કમાન સંભાળી, તેણે 35 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને ત્યાર બાદ ઝડપ વધારી અને 56 બોલમાં 116 રન બનાવીને આઉટ થયો.

લોહારુકા આઉટ થયા બાદ કેપ્ટન સાકીબુલ ગનીએ ફટકા બાજી શરુ કરી, ગનીએ માત્ર 32 બોલમાં સદી ફટકારી, આ સાથે તે લીસ્ટ-A ક્રિકેટમાં માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો. તેણે અનમોલપ્રીત સિંહનો રેકોર્ડ તોડ્યો, જેણે આ વર્ષે 35 બોલમાં સદી પૂરી કરી હતી.

46મી ઓવરના ચોથા બોલ બિહારની ટીમે 500 રનનો આંકડો પાર કર્યો. 50 ઓવરના અંતે બિહારનો સ્કોર 6 વિકેટના નુકશાન પર 574 રહ્યો.