નવી દિલ્હીઃ દિલ્હી સરકારે શહેરમાં રખડતાં કૂતરાઓની ગણતરી માટે સ્કૂલ શિક્ષકોને ફરજ પર લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને આમાં સામેલ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોડલ અધિકારી બનાવવા અને પસંદ કરાયેલા શિક્ષકોની જાણકારી શિક્ષણ વિભાગને આપવા જણાવાયું છે. આ માહિતી દિલ્હી સરકારના મુખ્ય સચિવના કાર્યાલયને સોંપાશે. શિક્ષણ વિભાગ મુજબ, આ કામ લોકોની સુરક્ષા સાથે જોડાયેલું છે અને સુપ્રીમ કોર્ટેના 7 નવેમ્બર, 2025ના આદેશ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં રખડતાં કૂતરાની સંખ્યા સતત વધી રહી છે. જેનાથી સ્કૂલની આસપાસ બાળકોની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ છે. આ કારણે તંત્રએ નવું પગલું ભર્યું છે. હવે સરકારી સ્કૂલોના શિક્ષકોને સ્કૂલ પરિસર અને આસપાસના રખડતાં કૂતરાની ગણતરી અને દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે. સ્કૂલની અંદર અને બહાર કેટલા રખડતાં કૂતરા ફરી રહ્યા છે, ક્યાં સૌથી વધારે છે અને શું તે બાળકો માટે જોખમી બની શકે છે તેની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ વિસ્તારમાં કૂતરાની સંખ્યા વધારે હોય અને બાળકો પર હુમલાનો ખતરો હોય તો તેનો રિપોર્ટ પણ સંબંધિત વિભાગોને આપવો પડશે.
તંત્રનું કહેવું છે કે આ પગલાનો હેતુ બાળકોને સુરક્ષિત રાખવાનો છે. જોકે અનેક શૈક્ષણિક સંગઠનોએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે શિક્ષકોનું મુખ્ય કામ ભણાવવાનું છે, નહીં કે રખડતાં કૂતરાની ગણતરી કરવાનું. આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો તેને બાળકોની સુરક્ષા માટે જરૂરી માની રહ્યા છે, જ્યારે કેટલાક સરકારના આ નિર્ણય માટે અલગ સ્ટાફ કે એજન્સીની નિમણૂક કરવી જોઈએ તેમ કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાતમાં પણ તલાટી કમ મંત્રીઓને તેમની મહેસૂલી અને વહીવટી કામગીરી ઉપરાંત ગામડાઓમાં રખડતાં કૂતરા પકડવાની અને તેના નિકાલની જવાબદારી સોંપવામાં આવી હતી. જેને લઈ ભારે વિરોધ થયો હતો.