અમદાવાદઃ રાજકોટ શહેર પાણીની અછત માટે જાણીતું છે. ઉનાળામાં પાણીની તંગી તીવ્ર બનતી હોય છે ત્યારે શહેરીજનોને રાહત આપે તેવા સમાચાર છે કે શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ બે વર્ષમાં બનીને તૈયાર થશે. સૌરાષ્ટ્રનો પહેલો 150 મિલિયન લીટર પર ડે (એમએલડી) ક્ષમતાવાળો પ્લાન્ટ રાજકોટમાં બની રહ્યો છે. ન્યારીથી કણકોટ સુધીનો વિસ્તરેલા આ પ્લાન્ટનો અંદાજિત ખર્ચ રૂ. 143.08 કરોડ હોવાનું માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટની વિગતો અનુસાર 65 એમએલડી ક્ષમતાનું ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર અને એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર સ્થાપિત થશે, જે પાણીના સંગ્રહ અને વિતરણની ક્ષમતા વધારશે. સમગ્ર નેટવર્કને વૈજ્ઞાનિક રીતે વિકસાવવામાં આવશે, જેથી પાણીનું વિતરણ સુવ્યવસ્થિત થાય અને દબાણ જળવાઈ રહે.
પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેક્નોલોજીનો ઉપયોગ છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ આ એક મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે. સૂત્રોનું માનવાનું છે કે આ પ્લાન્ટ કાર્યરત થતા રાજકોટની પાણીની સમસ્યા લગભગ હલ થઈ જશે અને શહેરની પાણીની માગને પહોંચી વળાશે.