બેંગલુરુઃ કર્ણાટકના રાજકારણમાં ફરી ઉથલપાથલ મચી ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમના બેંગલુરુ નિવાસસ્થાને થયેલી મુલાકાતથી મુખ્ય પ્રધાનના પદને લઈને ફરી અટકળો શરૂ થઈ હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસ સરકારનો કાર્યકાળ અડધો પૂર્ણ થયો છે.
મુલાકાત પછી શિવકુમારે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ રાજકીય મુદ્દો ઉઠાવ્યો નથી. તેમના મતે ચર્ચા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના સ્થાને નવો કાયદા લાવવા અને તેના પર પાર્ટીના વલણ વિશે હતી. તેમણે કહ્યું હતું કે તેઓ અને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા હાઈકમાન્ડના નિર્ણયનું સન્માન કરે છે અને તે મુજબ કાર્ય કરશે.
સરકારે તેના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો કાર્યકાળ પૂર્ણ કર્યો ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વધુ ઉગ્ર બની છે. જોકે, ખડગે પહેલાથી જ કહી ચૂક્યા છે કે નેતૃત્વની મૂંઝવણ ફક્ત સ્થાનિક સ્તરે જ છે, હાઈકમાન્ડમાં નહીં. શિવકુમારે આને એક વરિષ્ઠ નેતાની સલાહ માનતા કહ્યું હતું કે પાર્ટીના આંતરિક મામલાઓ સંગઠનમાં જ ઉકેલાશે.
પોતાને આજીવન પાર્ટી કાર્યકર ગણાવતા શિવકુમારે કહ્યું હતું કે તેમણે દરેક સ્તરે કોંગ્રેસ માટે કામ કર્યું છે. પદ તેમની પ્રાથમિકતા નથી. જ્યારે તેમને તેમની મહેનતનું ઈનામ મળવા અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
શિવકુમારે કેન્દ્ર સરકારની નવી યોજના પર કડક વલણ અપનાવતા કહ્યું હતું કે તે ગરીબો, મજૂરો અને ખેડૂતોની વિરુદ્ધ છે. તેમણે સંકેત આપ્યો હતો કે રાજ્ય કોંગ્રેસ મનરેગાને ફરીથી લાગુ કરવા માટે એક મોટું આંદોલન શરૂ કરશે. 27 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં આ મુદ્દા પર રણનીતિ નક્કી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે તેમણે ખડગે સાથે બીજા કોઈ મુદ્દા પર ચર્ચા કરી નથી. આમ કરવાની કોઈ જરૂર નથી, હાલમાં એવું કંઈ નથી. સિદ્ધારમૈયા અને મેં કહ્યું છે કે અમે હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરીને કામ કરીશું અને અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ.
તેમનો મતલબ પાર્ટીનો આજીવન સભ્ય રહેવાનો અને સંગઠનની સેવા કરવાનો હતો, પછી ભલે તેઓ કોઈપણ પદ પર હોય. વધુમાં શિવકુમારે કહ્યું હતું કે "હું પાર્ટીનો આજીવન કાર્યકર રહીશ. મેં પાર્ટીના પોસ્ટરો ચોંટાડ્યા છે અને મેં સફાઈનું કામ કર્યું છે. મેં કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કર્યું છે. હું ફક્ત સ્ટેજ પર બેસીને ભાષણ આપવા આવ્યો નથી. મેં પાર્ટી માટે બધું જ કામ કર્યું છે."