વડોદરાઃ રાજ્યમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. ₹40 લાખના વીમા માટે બહેને પ્રેમી સાથે મળી સગી બહેનની હત્યા કરાવી હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
શું છે મામલો
અજીઝા દીવાનનો મૃતદેહ ત્રણ દિવસ પહેલાં અંકોડિયા ગામમાંથી મળી આવ્યો હતો. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું. અજીઝા મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે ગોરવા ખાતેના તેના પિતાના ઘરેથી નીકળી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં એક માણસ તેને તેના ઘરથી થોડે દૂર મોટરસાઇકલ પર લિફ્ટ આપતો જોવા મળ્યો હતો. અમે તેના ચહેરાની તસવીર મેળવવામાં સફળ રહ્યા અને તે પીડિતાના પરિવારને બતાવી હતી. તે શેખ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શેખને ટ્રેક કરીને તેની પૂછપરછ કરી, જ્યાં તેણે અજીઝાની દુપટ્ટાથી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ફૂડ ડિલિવરી તરીકે કરતો હતો કામ
ફૂડ ડિલિવરી તરીકે કામ કરતાં શેખે પોલીસને જણાવ્યું કે તેને પીડિતાની બહેન ફિરોઝા સાથે પ્રેમસંબંધ હતો, જેને પૈસાની જરૂર હતી. અજીઝાને તેના પતિ સાથે અમુક વિવાદો હતા અને તેથી તે છેલ્લા છ મહિનાથી તેના પિતા સાથે રહેતી હતી. ફિરોઝા તેના પતિ સાથે તે જ મકાનમાં રહેતી હતી. ફિરોઝાએ અજીઝાના જીવન પર ₹40 લાખની વીમા પોલિસી લેવાનું નક્કી કર્યું, જેમાં તે પોતે નોમિની હતી અને 28 નવેમ્બરના રોજ પ્રથમ પ્રીમિયમ ભર્યું હતું. તેણે અજીઝાની હત્યા કરવા માટે શેખને સામેલ કર્યો અને તેને ₹7 લાખ ચૂકવવાનું વચન આપ્યું હતું.
મંગળવારે, ફિરોઝાએ અજીઝાને સમજાવ્યું કે તેણે સરકારી યોજનાનો લાભ મેળવવામાં મદદ કરવા માટે પોતાનું શ્રમ કાર્ડ બનાવવું જોઈએ. ફિરોઝાએ પછી અજીઝાને શેખ સાથે જવા કહ્યું હતું. શેખે પહેલા અજીઝાને તેની મોટરસાઇકલ પર પાદરા લઈ ગયો અને પછી અંકોડિયામાં એક નિર્જન જગ્યાએ લઈ ગયો, જ્યાં તેણે તેના દુપટ્ટા વડે ગળું દબાવીને તેની હત્યા કરી હતી. શેખનો ખુલાસો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી
રાજકોટમાં પણ બની હતી આવી ઘટના
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. કુહાડીના ઘા ઝીંકીને પુરુષની હત્યા કરવામાં આવી હતી. જે બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થ વડે માથામાં ઈજા થવા થવાથી મોત થયાનું સામે આવ્યા બાદ પોલીસ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉઠાવ્યો હતો. મૃતકના સગા પુત્રએ ઈઝરાયલ જવા માટે રૂ. 70 લાકની વીમા પોલિસી પકવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.