- હેન્રી શાસ્ત્રી
કિશોર કુમાર - વૈજયંતીમાલા ‘ન્યુ દિલ્હી’માં,
વહિદા રેહમાન - દેવ આનંદ ‘સીઆઇડી’માં
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1950ના દાયકામાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા હતા. ફિલ્મ મેકિંગ વધુ ચુસ્ત બની રહ્યું હતું અને ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓમાં ખાસ્સો બદલાવ નજરે પડી રહ્યો હતો. 70 વર્ષ પહેલાં એટલે કે 1956માં 130-140 હિન્દી ફિલ્મનું નિર્માણ થયું હોવાની આધારભૂત માહિતી મળે છે. અલબત્ત, આ આંકડાકીય માહિતી કરતાં વધુ મહત્ત્વની વાત એ હતી કે એ વર્ષે કેટલીક નોંધનીય ઘટના બની જેનું આગળ જતા હિન્દી ફિલ્મોના વિકાસમાં સીધું કે આડકતરું યોગદાન રહ્યું.
સૌથી પ્રથમ ઉલ્લેખ કિશોર કુમારનો કરવો જોઈએ. 1950ના દાયકાના પ્રારંભની દેવ આનંદની ફિલ્મોના ગીતોથી ગાયક કિશોર કુમારની ખ્યાતિ ચારેકોર ફેલાઈ એ જાણીતી વાત છે. જોકે. આ જ દાયકામાં એક્ટર કિશોર કુમાર પણ નામના મેળવી રહ્યા હતા. 1954ની બિમલ રોય દિગ્દર્શિત ‘નૌકરી’ (છોટા સા ઘર હોગા બાદલોં કી છાંવ મેં) અને 1955ની એ. આર. કારદારની ‘બાપ રે બાપ’ (પિયા પિયા પિયા, મેરા જીયા પુકારે) ફિલ્મો ગાયક - અભિનેતા તરીકે કિશોર કુમારને સ્થાપિત કરી રહી હતી, પણ 1956નું વર્ષ એક્ટર કિશોર કુમાર માટે શિરમોર સાબિત થયું.
આ વર્ષે તેમણે અભિનય પણ કર્યો હોય એવી નવ ફિલ્મ રિલીઝ થઈ હતી! અન્ય કોઈ પણ વર્ષે એક્ટર કિશોરદાની આટલી ફિલ્મ નથી આવી. એમની હીરોઈનોમાં પણ વૈવિધ્ય જોવા મળ્યું. ‘ભાઈ ભાઈ’માં નિમ્મી, ‘ઢાકે કી મલમલ’માં મધુબાલા, ‘મેમ સાહિબ’ અને ‘નયા અંદાઝ’માં મીના કુમારી, ‘ન્યુ દિલ્હી’માં વૈજયંતિમાલા, ‘પૈસા હી પૈસા’માં માલા સિન્હા, ‘ભાગમ ભાગ’માં શશીકલા, ‘આબરૂ’માં કામિની કૌશલ અને ‘પરિવાર’માં ઉષા કિરણ. એક જ વર્ષમાં અલગ અલગ આઠ હીરોઈન સાથે હિન્દી ફિલ્મના હીરોની ફિલ્મ રિલીઝ થઈ હોય એવું સંભવત: આ એકમાત્ર ઉદાહરણ હશે.
વિજય આનંદની અફલાતૂન ફિલ્મ ‘ગાઈડ’ની રોઝી વહિદા રેહમાનની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી 1956માં જ થઈ. રાજ ખોસલા દિગ્દર્શિત ‘સીઆઈડી’ની કામિનીના રોલથી વહિદાજી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ પંક્તિના હીરોઈન તરીકે પંકાઈ ગયાં. 1976ની ‘કભી કભી’ સુધી હીરોઈનનો દબદબો જળવાયો. ‘સીઆઈડી’થી થ્રિલર ફિલ્મોના એક નવા દોરની શરૂઆત થઈ જેમાં સસ્પેન્સ - સંગીતના મિશ્રણે આગામી અનેક થ્રિલર ફિલ્મોના સમીકરણ તૈયાર કર્યા. ‘રેલવે પ્લેટફોર્મ’ અને ‘કુંદન’ એ બે ચિત્રપટથી એન્ટ્રી લેનારા સુનીલ દત્ત માટે બી આર ચોપડાની ‘એક હી રાસ્તા’ (1956) ફિલ્મ નિર્ણાયક સાબિત થઈ. સામાજિક દ્રષ્ટિકોણ ધરાવતા ચિત્રપટમાં દત્ત સાહેબ નાયકનો ચહેરો બની ગયા. એક્ટરની કારકિર્દીને દોડવા માટે ઢાળ
મળી ગયો.
1956નું વર્ષ રાજ કપૂરની કરિયરમાં સુધ્ધાં મહત્ત્વ ધરાવે છે. આર. કે. બેનર હેઠળ નિર્માણ થયેલી પણ ડિરેક્શન રાજ કપૂરએ ન કર્યું હોય એવી જૂજ ફિલ્મો પૈકી એક છે ‘જાગતે રહો.’ ફિલ્મ એક ગરીબ ગ્રામ્ય વ્યક્તિની નજરે શહેરી દંભ અને જાતપાતના દૂષણ પર કટાક્ષ કરે છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં આ ફિલ્મ દર્શાવાઈ હતી અને કાર્લોવી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મેળવવામાં સફળ રહી હતી. હિન્દી ચિત્રપટને વૈશ્વિક સ્તરે આદર મળ્યો. આ ફિલ્મની અન્ય એક ખાસિયત એ રહી કે રાજ કપૂર - નરગીસ સાથે નજરે પડ્યા હોય એવી આ અંતિમ ફિલ્મ સાબિત થઈ.
1956માં બોક્સઓફિસ પર સફળતા મેળવનારી પ્રથમ દસ ફિલ્મ તરફ નજર નાખતા એક વાત ઉડીને આંખે વળગે છે કે દર્શકોનો ઝુકાવ કોઈ એક યા બે શૈલીની ફિલ્મો તરફ નહોતો રહ્યો. પહેલી પાંચ ફિલ્મમાં સસ્પેન્સ થ્રિલર (સીઆઇડી) હતી તો પારિવારિક ફિલ્મ (એક હી રાસ્તા) પણ હતી. સિવાય રોમેન્ટિક કોમેડી (ચોરી ચોરી અને ન્યુ દિલ્હી) અને સંગીતપ્રધાન (બસંત બહાર) ફિલ્મ પણ હતી. અન્ય પાંચ ફિલ્મો (રાજ હઠ, ભાઈ ભાઈ, તૂફાન ઔર દિયા, ફન્ટુશ અને ઈન્સ્પેક્ટર)માં પણ વૈવિધ્ય હતું.
બારીકાઈથી જોતા એ વાતનો ખ્યાલ આવે છે કે પછીના વર્ષોમાં નાયાબ ફિલ્મ દિગ્દર્શક તરીકે પંકાયેલા વિજય આનંદની સોન્ગ પિક્ચરાઈઝેશનની પહેલી કમાલ - એનો પાયો 1956માં નખાયો એમ કહી શકાય. ‘ફન્ટુશ’ ફિલ્મના દિગ્દર્શક હતા ચેતન આનંદ પણ એના બે ગીત ‘અય મેરી ટોપી પલટ કે આ’ અને ‘દેનેવાલા જબ ભી દેતા છપ્પર ફાડ કે દેતા’ની ફિલ્માંકન વિજય આનંદએ કર્યું હોવાની નોંધ છે.
ગજબની કલ્પકતા નજરે પડે છે અને ‘દેનેવાલા જબ ભી દેતા છપ્પર ફાડ કે દેતા’ ગીતમાં દેવસાબની કોમિક સેન્સ - ટાઈમિંગ જોતા એ નિર્ભેળ કોમેડી ફિલ્મોમાં ગજું કાઢી શક્યા હોત એમ માનવાનું મન થાય છે. એ વર્ષની ‘હલાકુ’ ફિલ્મનો ઉલ્લેખ એ માટે કરવો જોઈએ કે પછીના વર્ષોમાં ખલનાયક તરીકે ખ્યાતિ મેળવનારા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે અગ્રણી પ્રાણ અને અજિત સાથે છે, પણ બંનેમાંથી કોઈ ટિપિકલ વિલન નથી.
આ તરફ રાજેન્દ્ર કુમારને હજી જ્યુબિલી કુમારનું લેબલ નહોતું લાગ્યું અને ‘તૂફાન ઔર દિયા’માં તેમનો કોલેજ સ્ટુડન્ટનો રોલ હતો. મન્ના ડેના સ્વરમાં રજૂ થયેલું ટાઇટલ સોન્ગ ‘નિર્બલ કી લડાઈ બલવાન સે, યે કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી’ને અફાટ લોકપ્રિયતા મળી હતી.
સંગીતની વાત નીકળી છે તો ‘આહ’, ‘ગુમનામ’ જેવી વૈવિધ્યપૂર્ણ ફિલ્મો બનાવનારા રાજા નવાથેની ‘બસંત બહાર’નો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. ક્ધનડ સાહિત્યકારની કૃતિ પર આધારિત આ ફિલ્મની સ્ટોરી રાજીન્દર સિંહ બેદીએ લખી હતી. ફિલ્મના સંગીતકાર હતા શંકર - જયકિશન, જેમની પ્રધાન ખ્યાતિ ઓર્કેસ્ટ્રેશન અને મેલડી મ્યુઝિક માટે હતી. ક્લાસિકલ કમ્પોઝીશન એમની સ્વરરચનામાં પ્રભાવીપણે નહોતા જોવા મળતા. ‘બસંત બહાર’ના નવ ગીતમાંથી આઠ ગીતની સ્વર રચના વિવિધ રાગ (ભૈરવી, પીલુ, તોડી)માં કરવામાં આવી હતી. દર્શકોએ ગીતોને પસંદ કર્યા હતા અને એમાંથી બે ગીત ‘સૂર ના સજે ક્યા ગાઉં મૈં’ (મન્ના ડે) અને ‘કેતકી ગુલાબ જુહી’ (મન્ના ડે અને ભીમસેન જોશી) આજે પણ સંગીત પ્રેમીઓ નહીં ભૂલ્યા હોય.