મનોરંજનનું મેઘધનુષ - ઉમેશ ત્રિવેદી
દક્ષિણના સુપરસ્ટાર થલપતિ વિજયે પોતાના રાજકીય પક્ષ ‘તમિલગા વેટી કઝગમ’ની સ્થાપના કરી ત્યારે જ જાહેરાત કરી હતી કે, ‘હું મારો સંપૂર્ણ સમય જનસેવા અને રાજકારણને આપવા માગું છું.’ આ પછી તેણે તેની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ હશે અને એ આ જાન્યુઆરી-2026માં રિલીઝ થશે એ પણ જાહેર કર્યું હતું. તેની આ ફિલ્મ પોંગલના દિવસે રજૂ થવાની છે.
થલપતિ વિજય તમિળનાડુ રાજ્યની આગામી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે, 51 વર્ષની ઉંમરે ઝળહળતી ફિલ્મ કારકિર્દી છોડીને તે દક્ષિણના બીજાં કલાકારોની જેમ જ રાજકારણમાં ઝુકાવી રહ્યો છે. 1974ના દક્ષિણના જાણીતા દિગ્દર્શક એસ. એ. ચંદ્રશેખરને ત્યાં જન્મેલા વિજયનું ખરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેણે પોતાની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી છે અને મોટેભાગે તમિળ ફિલ્મોમાં દેખાયેલા વિજયે કુલ 69 ફિલ્મોમાં અભિનય કર્યો છે.
વિજયની ગણના તમિળ ફિલ્મોના સુપરસ્ટાર તરીકે થાય છે અને તેની સફળતાનો રેશિયો ખૂબ જ સારો હોવાથી ભારતમાં સૌથી વધારે ‘ફી’ લેનારા કલાકારોમાં તેની ગણના થાય છે. 1984માં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા વિજયે 1992માં હીરો તરીકે પહેલી ફિલ્મ કરી ત્યારે તેની ઉંમર માત્ર 18 જ વર્ષની હતી. 1999થી તેની એક પછી એક સફળ ફિલ્મો રજૂ થવા લાગી હતી. 2002માં તેણે પ્રિયંકા ચોપરા સાથે ‘થમીઝન’ નામની તમિળ ફિલ્મ કરી હતી. આ એકશન ફિલ્મ બોક્સઓફિસ પર ખૂબ જ ગાજી હતી. ત્યારપછી 2003માં તેણે ત્રિશા કૃષ્ણન અને પ્રકાશ રાજ સાથે ‘ગિલ્લી’ નામની ફિલ્મ કરી હતી. આ ફિલ્મે કમાણી સહિત અનેક રેકોર્ડ નોંધાવ્યા હતા. ત્યારથી જ વિજયની ગણના તમિળ ફિલ્મોના સુપરસ્ટાર તરીકે દ્વારા લાગી હતી.
2009 પછી તેની અનેક ફિલ્મોએ બોક્સઓફિસ પર રૂ. 100 કરોડ કરતાં વધારે કમાણી કરી હતી. વિજયની ફિલ્મ બોક્સઓફિસ પર છવાઇ જતી હતી અને ધીમે ધીમે તેની ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝળકવા લાગી હતી. 2018માં વિજયની ‘સરકાર’ નામની ફિલ્મ રજૂ થઇ હતી. જેણે માત્ર બે જ દિવસમાં રૂ. 100 કરોડની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
વિજયની ‘સરકાર’ ફિલ્મ એકસાથે 250 દેશમાં રજૂ થઇ હતી અને રૂ. 250 કરોડ કરતાં વધુ કમાણી કરનારી તે પહેલી તમિળ ફિલ્મ બની હતી. 2019માં તેણે ‘બીજિલ’ નામની ફિલ્મમાં ‘ડબલ રોલ’ કર્યો હતો. ફૂટબોલ પર આધારિત આ ફિલ્મે રૂ.300 કરોડથી વધુ કમાણીનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ તમિળ ફિલ્મ ઇજિપ્ત અને જોર્ડનમાં રજૂ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી.
2020માં રજૂ થયેલી ‘માસ્ટર’, 2021માં રજૂ થયેલી ‘બિસ્ટ’ ફિલ્મે રૂ. 300 કરોડથી વધુ કમાણી તો કરી જ પણ ‘બિસ્ટ’ ફિલ્મે ‘નેટફ્લિક્સ’ પર સૌથી વધારે વ્યૂઅરશિપનો અનેરો વિક્રમ પણ નોંધાવ્યો હતો. 2023માં તેની ‘લિઓ’ નામની ફિલ્મ આવી જેણે રૂ. 600 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી.
2024માં તેની સાયન્સ ફિકશન ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ રજૂ થઇ. આ ફિલ્મ રજૂ થયાં પછી 2024ના ફેબ્રુઆરી મહિનામાં વિજયે જાહેરાત કરી હતી કે, ‘હવે હું અભિનેતા તરીકે માત્ર એક જ ફિલ્મ કરીશ, જે મારી 69મી ફિલ્મ હશે. આ ફિલ્મ પછી હું લોકોની સેવા કરવા પર જ સંપૂર્ણ ધ્યાન આપીશ. વિજયની આ 69મી ફિલ્મ એટલે ‘જન નાયકન’ જે ‘પોંગલ’ના દિવસે રજૂ થવાની છે.
એક અભિનેતા ઉપરાંત વિજય એક સારો ગાયક પણ છે. તેણે તમિળ ફિલ્મોના ખૂબ જ જાણીતા સંગીતકારો ઇલૈયારાજા, એ. આર. રહેમાનના સંગીતબદ્ધ કરેલાં ગીતો ગાયા છે. 1994નાં આવેલી ફિલ્મ ‘રાશીગન’થી તેણે એક ગાયક તરીકે પણ નામના મેળવી છે. જોકે, મોટાભાગના ગીતો તેણે પોતાના માટે જ ગાયા છે.
વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેણે એક રાજકીય રેલીનું આયોજન કર્યું હતું. 27 સપટેમ્બરે 2025ના કટુરમાં યોજાયેલી જાહેરસભાને સંબોધવા તે જવાનો હતો, પણ એ રેલીમાં પહોંચતાં તેને મોડું થયું તેમાં ત્યાં હાજર લોકોમાં ભાગદોડ થઇ અને 40નાં મૃત્યુ થયાં હતાં. આ લોકોના મૃત્યુ માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. પણ મૃતકના પરિવારજનને લાખોની આર્થિક સહાય કરીને તે આ વિવાદમાંથી આબાદ રીતે બહાર આવી ગયો હતો.
તેની આગામી ફિલ્મ તેની છેલ્લી હોવાથી ‘જન નાયકન’ ફિલ્મ બોક્સઓફિસ પર અનેરા વિક્રમ સર્જશે એમ અત્યારથી જ માનવામાં આવે છે. ‘થલપતિ વિજય’ને આ ‘થલપતિ’ તરીકે લોકોએ આવકાર્યો છે. ‘થલપતિ’ એટલે ‘કમાન્ડર’ અથવા તો ‘સેના-નાયક’. વિજય ફિલ્મોમાં તો ‘થલપતિ’ સાબિત થયો જ છે, પણ હવે તેણે રાજકારણમાં પણ ‘થલપતિ’ સાબિત થવા કમર કસી છે. જોઈએ…
OTTનું હોટસ્પોટ
ત્રીજી જાન્યુઆરીથી નવમી જાન્યુઆરીમાં શું જોશો?
બોલિવૂડની ‘ધક-ધક ગર્લ’ની ‘મિસિસ દેશપાંડે’ જિયો સિનેમા પર રજૂ થઇ ત્યારથી તે ઓટીટી પ્લેટફોર્મ પર છવાઇ ગઇ છે. તો આવો હવે આપણે આવતા અઠવાડિયે ઓટીટી પર રજૂ થનારી ફિલ્મો અને સિરીઝ પર એક નજર નાંખીએ.
નેટફ્લિક્સ પર અત્યારે એનિમેશન ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ધૂમ મચાવી રહી છે. તો બીજી જાન્યુઆરીએ ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ અભિનિત ફિલ્મ ‘હક’ રજૂ થવાની છે. સત્યઘટના આધારિત આ ફિલ્મ બોકસ ઓફિસ પર ફલોપ સાબિત થઇ હતી, પણ ઓટીટી પર તે દર્શકોને આકર્ષે તેવી શકયતા છે.
અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ, આર. માધવન, તબુ, જાવેદ જાફરી અભિનીત સફળ ફિલ્મ ‘દે દે પ્યાર દે-ટુ’ આવતા શુક્રવારે એટલે કે નવ જાન્યુઆરીએ રજૂ થવાની છે.
- સોની લીવ : ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ ફિલ્મ નવ જાન્યુઆરીએ રજૂ થશે, જયારે ‘માસ્ટર શેફ ઇન્ડિયા’ની નવમી સિઝન પાંચ જાન્યુઆરીથી સોની લીવ અને સોની પર રજૂ થવા માટે તૈયાર છે.
- જિયો હોટસ્ટાર : આ ઓટીટી પ્લેટફોર્મ પર નવ જાન્યુઆરીએ ‘સ્પ્લીટ્સવિલા’ની 16મી સિઝન શરૂ થઈ રહી છે.
- એમેઝોન પ્રાઇમ :
સ્પેનિશ ડ્રામા ‘ફોલો માય વોઇસ’ બીજી જાન્યુઆરીથી આ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે.