આ વર્ષે રિલીઝ થઈ રહેલી ફિલ્મોમાં વોર ફિલ્મો છે તો સાથે સાથે રામાયણની કથા ધરાવતું અને હોરર કોમેડી ચિત્રપટ પણ છે… આમ વરાયટી ભરપૂર છે.
કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી
નવા વર્ષનો પહેલો શુક્રવાર. ફિલ્મ રસિકોની લાગણીઓને રોકડી કરવાના ઈરાદા સાથે ‘ધરમજીની અંતિમ ફિલ્મ’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલી ‘ઈક્કીસ’ આજે રિલીઝ થઈ છે. અલબત્ત, અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા કેવો નીવડે છે એ પણ કુતૂહલનો મુદ્દો છે. એક મહિના પહેલાં 2026માં રિલીઝ થનારી ફિલ્મો માટે તૈયાર થયેલી ઉત્સુકતા યાદીમાં સૌથી વધુ ઈંતેજારી કોના માટે અને કોણ આશ્ર્ચર્ય સર્જી શકવાની તાકાત ધરાવે છે એ વિશે મતમતાંતર જરૂર રહ્યા હશે. કોઈની યાદીમાં સની દેઓલની ‘બોર્ડર 2’ નંબર વન પર હશે તો કોઈને ‘દ્રશ્યમ 3’ માટે વધુ તાલાવેલી હશે તો કોઈ વળી સલમાન ખાનની ફિલ્મ માટે આતુર હશે…
જોકે, પાંચ નવેમ્બર પછી બધા સમીકરણ બદલાઈ ગયા છે. આદિત્ય ધર દિગ્દર્શિત અને રણવીર સિંહ - અક્ષય ખન્ના અભિનીત ‘ધુરંધર’ રિલીઝ થઈ અને એણે ફિલ્મ દર્શકો પર એવો જાદુ ચલાવ્યો છે કે નવ વર્ષની ‘મોસ્ટ અવેઇટેડ ફિલ્મ’ - સૌથી વધુ ઉત્સુકતા ધરાવતી ફિલ્મમાં 19 માર્ચે રિલીઝ થનારી સિક્વલ ‘ધુરંધર: 2’ આવી રહી છે. અનેક યાદીમાં નંબર વન પર આ ફિલ્મ હશે એ સંભાવના કરતાં હકીકત વધારે છે. રણવીર સિંહના પાત્રની બેકસ્ટોરી (કઈ પરિસ્થતિમાં અને કેવી રીતે એ ભારતીય જાસૂસ બન્યો એની કથા) ફિલ્મનું કેન્દ્રબિંદુ હશે એવી અટકળો છે. ટૂંકમાં ઈન્ટેન્સ ફિલ્મો - આવેશના ગુણધર્મ ધરાવતા ચિત્રપટો માટે ઉત્સુકતા વધુ છે.
અલબત્ત, અન્ય ફિલ્મો વિશે દર્શકોમાં કુતૂહલ - જિજ્ઞાસા હોવાના જેની વાત પણ કરવી જોઈએ, જેમકે
રામાયણ - પાર્ટ વન: નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ’ બે હિસ્સામાં પ્રદર્શિત કરવાની હાલ યોજના છે. એમાંથી ‘રામાયણ પાર્ટ વન’ આગામી દિવાળીના સપરમા તહેવાર નિમિત્તે રિલીઝ કરવાની ધારણા છે. થિયેટરને મંદિર સમજી દર્શનાર્થીઓની ભીડ ઉમટશે એવી આશા ફિલ્મમેકરે રાખી હોય તો નવાઈ ન લાગવી જોઈએ. ફિલ્મનું તોતિંગ બજેટ અને રામાયણના વિવિધ પાત્રો માટે પસંદ કરવામાં આવેલા કલાકારોને કારણે ચિત્રપટની જોરદાર હવા જામી છે એ વાત નકારી ન શકાય. ભગવાન શ્રી રામ - સીતા મૈયાના પાત્રમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી છે. સની દેઓલ હનુમાન દાદા તરીકે જોવા મળશે તો ‘આરઆરઆર’ પછી હિન્દી ફિલ્મના દર્શકોમાં જાણીતો બનેલો યશ રાવણ તરીકે જોવા મળશે. સંગીત માટે એ. આર. રેહમાનની હાજરીથી પણ કુતૂહલ જાગ્યું છે.
બોર્ડર 2:
છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મ રિલીઝ પહેલા સોશ્યલ મીડિયા પર એના ઢોલ નગારા પીટવાની પ્રથા ચાલી રહી છે. જે. પી. દત્તાની 1997ની યાદગાર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ પણ સોશ્યલ મીડિયામાં ખાસ્સી ગાજી છે. દુશ્મનોને ધૂળ ચાટતા કરતી કથાવાળી ફિલ્મો માટેના લગાવમાં ભરતી આવી છે એ વાતાવરણમાં ‘બોર્ડર 2’ માટે વિશેષ ઉત્સુકતા હોય એ સમજી શકાય એવી વાત છે. 1971ના ભારત - પાકિસ્તાન યુદ્ધની ‘લોન્ગોવાલની લડાઈ’ની કથા ફરતે ફિલ્મ આકાર લે છે. સની દેઓલ, સોનમ બાજવા, વરુણ ધવન વગેરે કલાકાર સાથેની આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ સિંહએ કર્યું છે. 30 વર્ષે સિક્વલ આવે છે એ કારણ પણ કુતૂહલ વધારવામાં નિમિત્ત બની શકે.
દ્રશ્યમ 3:
થ્રિલર ફિલ્મની હારમાળાએ દર્શકોમાં સારી ઉત્સુકતા જગાડી છે. અજય સાળગાંવકર (અજય દેવગન) અને એનો પરિવાર ભૂતકાળમાં અનાયાસે થયેલી હત્યાના ગુનેગાર સાબિત કરતી મુશ્કેલીમાં કેમ સપડાય છે અને એમાંથી કેવી રીતે ઉગરી જાય છે એની ઉત્સુકતા વફાદાર દર્શકોમાં જરૂર રહેવાની. ‘દ્રશ્યમ’ શૃંખલા મલયાલમ ફિલ્મની રીમેક છે. સાઉથની ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થશે. હિન્દી ‘દ્રશ્યમ 3’ હમણાં ખાસ્સી ચર્ચામાં હતી, કારણ કે ‘ધુરંધર’ની સફળતા પછી અમુક આગ્રહોના વિવાદને કારણે અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધી છે. એની જગ્યાએ જયદીપ આહલાવતને લેવામાં આવ્યો છે.
કિંગ:
એક્શનનો ઓવરડોઝ ધરાવતી આ ફિલ્મ માટે ઉત્સુકતા કેવળ એમાં શાહરુખ ખાનની હાજરી પૂરતી સીમિત નથી. શાહરુખ ખાનની ‘રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ કંપની’ના નિર્માણ હેઠળ બની રહેલી આ ફિલ્મથી કિંગ ખાનની પુત્રી સુહાના ખાન રૂપેરી પડદે પદાર્પણ કરી રહી છે. ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’માં સુહાના પહેલી વાર એક્ટિંગ કરતી નજરે પડી એ વાત સાચી, પણ એ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. બીજું કારણ છે ફિલ્મના ડિરેક્ટરમાં બદલાવ. મૂળે આ ફિલ્મ સુજોય ઘોષ (કહાની, બદલા ઈત્યાદિ) ડિરેક્ટ કરવાના હતા. જોકે, પછી ફિલ્મનું કલેવર બદલાઈ જતા અને એક્શનનું પ્રભુત્વ વધારવાનો નિર્ણય લેવામાં આવતા દિગ્દર્શનની જવાબદારી સિદ્ધાર્થ આનંદ (વોર, પઠાન, ફાઈટર)ને સોંપવામાં આવી છે. આ બદલાવ સુધ્ધાં ઉત્સુકતા વધારવામાં નિમિત્ત બન્યો છે.
બેટલ ઓફ ગલવાન:
તાજેતરમાં આયુષ્યના 60 વર્ષ પૂર્ણ કરનારા સલમાન ખાન માટે આ ફિલ્મ મહત્ત્વ ધરાવે છે. અપૂર્વ લાખિયા (શૂટઆઉટ એટ લોખંડવાલા, હસીના પારકર) દિગ્દર્શિત આ ફિલ્મમાં યુદ્ધની પાર્શ્વભૂમિ છે, પણ દુશ્મન પાકિસ્તાન નહીં, ચીન છે. 2020માં ભારત - ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલી લડાઈની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનું ટીઝર સલમાનના બર્થ-ડે વખતે બહાર પાડવામાં આવ્યું હતું. આ ફિલ્મ વર્તમાન રાજકીય અવસ્થા સાથે કેટલો મેળ ધરાવે છે એ વાત ફિલ્મના આવકાર અંગે નિર્ણાયક સાબિત થાય છે કે કેમ એ જોવાનું રહે છે.
ભૂત બંગલા ને હૈવાન :
ફિલ્મ ડિરેક્ટરોમાં પ્રિયદર્શન એક એવું નામ છે જેમની ફિલ્મો જોવા જવાય એવી માન્યતા બાંધવામાં ફિલ્મમેકરને સફળતા મળી છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી 16 વર્ષ પછી ભેગી થઈ છે. ‘ભૂત બંગલા’ હોરર કોમેડી છે, જ્યારે ‘હૈવાન’ થ્રિલર છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં મૃત્યુ પામેલા અફલાતૂન એક્ટર અસરાનીની હાજરી આ બંને ફિલ્મમાં છે એ કારણ એમના ચાહકોમાં ઉત્સુકતા વધારનારું રહેશે. અલબત્ત, ફિલ્મો માટે વધેલા લગાવના માહોલમાં પ્રિયદર્શનના ચિત્રપટને કેવો આવકાર મળે છે એ જાણવું રસપ્રદ રહેશે.