Fri Jan 02 2026

Logo

White Logo

મહેનત આદત બને તો સફળતા નસીબ બની જાય! : --

3 hours ago
Author: Mumbaisamachar Team
Video

અરવિંદ વેકરિયા

નાટક મળે સૂર… પ્રેક્ષકોએ બિરદાવ્યું. બધાની મહેનત ફળી. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક નસીબ બની જાય એ ઉક્તિ અમારાં માટે સાચી પુરવાર થઈ હોય એવું લાગ્યું. જાણીતા નિર્માતા શિરીષ પટેલે (હયાત નથી) તો ત્યાં સુધી કહ્યું કે મને જો આ વિષય મળ્યો હોત તો મેં મારાં બેનરમાં આ નાટકનું નિર્માણ કર્યું હોત ટૂંકમાં નાટકનાં શો વધતાં હતાં અને એનો ઉત્સાહ દરેક કલાકારોનાં મોઢા પર દેખાતો. સમય પણ લેણાં નીકળતાં પેલાં 30000ની ટહેલ નાખવા માટે યોગ્ય લાગતો હતો.

એ વાત મેં પત્ની ભારતીને કરી. તો એ મને કહે. હજી નાટકની શરૂઆત છે…ત્રણ પાનાં રમવાવાળું કોઈ જીતતું હોય અને કોઈ સાથી ખેલાડી થોડી રકમ રમવા માટે ઉધાર માગે તો જીતનારાને ગમતું નથી. આવતી લક્ષ્મીમાં ભાગ પડાવવો કોને ગમે? તમારાં લેણાં રૂપિયા નાટક ‘મળે સૂર…’ જ આપી દેશે અને સંબંધ પણ જળવાય રહેશે એવું સકારાત્મક વિચારો. શક્ય છે તુષારભાઈ પોતે તમારાં હાથમાં 30000 મૂકી પણ દે. મારે હિસાબે આ સમય માગવાનો નથી, બાકી તમારી મરજી.

મને એની વાતમાં તથ્ય તો લાગ્યું, પણ આ તો મારાં લેણાં નીકળતાં પૈસાની વાત હતી. એ પણ સાચું કે એમની મારાં માટેની નિષ્ઠા સ્પષ્ટ હતી. એમણે દીપક સોમૈયાને નહોતાં આપવા એનું જે કારણ હોય. દીપકની વાત પણ સાચી હતી કે લેણાં નીકળતાં 60000માંથી મારાં ત્રીસ મને મળ્યાં હવે નાટકનાં રીલીઝ સુધી તમે સતત તુષારભાઈનાં સંપર્કમાં જ રહેવાનાં તો તમારાં ભાગનાં તમે લઈ શકો છો.

ખેર! પૈસાની માયા વિચિત્ર જ રહી છે. બધાને જરૂર તો હોય જ! માણસના જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી એટલી સ્વતંત્રતા વધારે, પણ આ દિલ માગે મોર.. ભારે મને મેં પત્ની ભારતીની વાતને સ્વીકારી લીધી.

રાજેશ જોશીનું નાટક ક્રમશ: મારાં નાટક સાથેની ગોઠવણ વચ્ચે રજૂ થઈ ગયું. જયુકાકા (જયંત વ્યાસ) નાટક રિલીઝ થયાં પછી પણ મગનું નામ મરી નહોતા પાડતા. વાત હવે થિયેટરની તારીખોના એડજસ્ટમેન્ટની આવવાની હતી. સાથી કલાકારો જાણતા હતા કે વહેલા મોડા દાદુએ જ કરવાનું છે એ પાત્ર. બધાં મને કહેતાં પણ રહેતાં કે, ‘તમે જયુકાકા સાથે વાત કરી લો ને.’

મારાં કાનમાં ફરી એથીક્સની ભૂંગળી વાગતી. મને દીકરો માનનારને હું આ વાત કઈ રીતે કહી શકું? વાણી અને વિચાર બંને પ્રોડક્ટ આપણી ખુદની કંપનીની છે એની ક્વોલિટી જેટલી સારી રાખીએ એટલો વધારે ભાવ મળે. મારે એવો ભાવ નહોતો ખાવો, પણ મેં કહેલું એ પાળવું હતું. પછી તો એમનું ‘ક્રમશ:’ નાટક પણ હીટ પુરવાર થયું. હવે એડજસ્ટમેન્ટ માત્ર રવિવારના જાહેર શો માટે જ નહીં પણ સોલ્ડઆઉટ શો માટે પણ આવી જાય એવી પૂરી શક્યતા હતી.

આ તરફ જયુકાકાનું વર્તન હવે પહેલાં કરતાં જુદું લાગવાં લાગ્યું. એમને અભિનયનાં ઓજસ પાથરવા બબ્બે નાટકો હતાં. માણસને જ્યારે વધારે મહત્ત્વ મળે ત્યારે એ બીજાને સમજવાની સમજણ ખોઈ બેસે છે એટલે નાટકનો જીવ હોવાં છતાં મારી પરિસ્થિતિ સમજતાં નહોતા. બધા અધ્ધરતાલે શો કરતાં રહેતાં. ખબર નહીં ક્યારે ધડ દઈને કહી દેશે કે ‘દાદુ. કાલનો શો તારે કરવો પડશે, મારે રાજેશનાં નાટકનો શો અચાનક આવી ગયો છે.’

બે વખત મારે એમને કારણે સાંજના શોને બપોરમાં ફેરવવા પડેલાં. થતું હતું કે હવે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. મને થયું કે હવે હું હિંમત કરી જયુકાકાને સ્પષ્ટ કહી દઉં. ભલે ‘દીકરા’નું માન ખોવું પડે. ખોયા વગર કઈ નથી મળતું. અરે, સ્વર્ગ પણ મૃત્યુ માગે છે.’

રવિ-ટુ-રવિ શો હતાં. વચ્ચે કોઈ સોલ્ડઆઉટ શો નહોતા એટલે મને રિહર્સલનો સમય મળી રહેશે એ વિચારી એમને ઘરે ફોન કર્યો. પૂજ્ય કાકીએ ફોન ઉપાડ્યો એટલે મેં જયુકાકાને આપવા કહ્યું. એમનો જવાબ સાંભળી મને લાગી આવ્યું.

એમણે કહ્યું, ‘એ તો એમનાં નવા નાટકનાં શો માટે સુરત ગયાં છે, રવિવારે આવી જશે, ક્યારે એ ખબર નથી.’ મેં કહ્યું મને કહ્યું પણ નહિ! રાજેશ જોશીની જેમ મને પણ અચાનક શો આવી ગયા હોત તો? કાકી, હું થાકી ગયો છું. એમનો ફોન તમને આવશે જ, તમે કહી દેજો કે આ રવિવારથી હવે દાદુ રોલ કરશે. રવિવારે ક્યારે આવશે એ પણ નક્કી નથી. ખાસ કહેજો કે આ રવિવારે બપોરે હિન્દુજાના શોમાં આવવાની તકલીફ ન લે’.

કાકી કહે, ‘ભલે, હું એમને કહી દઈશ’. મેં બીજી વાર કહ્યું કે, ‘પ્લીઝ, ભૂલતા નહીં.’ એમ કહીને મેં ફોન મૂકી દીધો.

મને ગમ્યું તો નહીં. સિદ્ધાંત તોડવો મને બહુ વસમો લાગ્યો. મને થાય કે આવી દોડધામ અને આવા એડજસ્ટમેન્ટમાં મારે કેટલો ભોગ આપવાનો? એમના ‘નામ’ને કારણે નાટકનું વજન વધે એ માટે જ એમને કાસ્ટ કરેલા. એથીક્સ સચવાય રહે તો સારું થાય, બંને પક્ષે!

મેં રિહર્સલ મારાં માટે શરૂ કરી દીધાં. દિગ્દર્શક હોવાથી મને મુવમેન્ટ અને ડાયલોગ્સ બધા યાદ જ હતા, બસ, થોડા રી-ફ્રેશ કરવાના હતાં, જેથી જયુકાકાના ટાઈમિંગને બદલે મારાં ટાઈમિંગ સાથે કલાકારો એડજસ્ટ થઈ જાય.

હું તૈયાર થઈ ગયો. કોસ્ચ્યુમ તો એમનાં મને ન થાય એટલે એ હું મારાં પોતાનાં લઇ આવ્યો. આમ પણ જરૂર લેંઘા-ઝભ્ભાની જ હતી. હું હિન્દુજા પહોંચી ગયો. હું જસ્ટ મેકઅપ માટે બેઠો કે જયુકાકા આવ્યાં. મને થયું કે શું કાકીએ મેસેજ નહીં આપ્યો હોય? કે પછી મારી વાત સમજ્યા નહીં હોય? મેં અવાજ મોટો કરી કાકીને કહેલું.

વિશ્વની સૌથી મોટી છેતરપિંડી એટલે બટરસ્કોચ આઈસક્રીમ, આમાં બટર તો નથી જ અને સ્કોચ તો બિલકુલ નથી…!
શાંત રહીને પણ દેખાય એ નદીની વિશાળતા ભલે હોય પણ ઝરણાઓએ અસ્તિત્વ સાબિત કરવા અવાજ કરવો પડે, ત્યાં જયુકાકા બોલ્યા : ‘હું આવ્યો છું, આજનો શો હું જ કરીશ.