Wed Jan 07 2026

Logo

White Logo

ગુજરાત ATS એ પકડેલા આતંકી મોડ્યુલની તપાસ હવે NIA કરશે : આંતરરાષ્ટ્રીય કનેક્શનની આશંકા

3 days ago
Author: Devayat Khatana
Video

નવી દિલ્હી/અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા એક મોટા આતંકી ષડયંત્રની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), અમદાવાદને સોંપી છે. આ કેસમાં ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટ વચ્ચેના કનેક્શનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

ગુજરાત એટીએસ દ્વારા હૈદરાબાદના ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદ સહિત બનાસકાંઠાના મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રિપુટીએ દિલ્હીની આઝાદ મંડી અને અમદાવાદની નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હોવાનો પર્દાફાશ થયો હતો.

તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે આ આતંકી મોડ્યુલ અતિ ઘાતક 'રિસિન' ઝેર દ્વારા હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું હતું. આ સાથે જ તેઓ હથિયારો વડે પણ હુમલા કરવાની ફિરાકમાં હતા. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટમાં 10થી વધુ લોકોના મોત થયા હતા, જેના થોડા દિવસો પહેલા જ આ ધરપકડ કરવામાં આવી હતી. NIA હવે તપાસ કરી રહી છે કે શું આ સમગ્ર કાવતરું ISKP, ISIS અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંયુક્ત રીતે પ્રેરિત હતું.

NIA દ્વારા આ મામલે UAPA એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરીથી ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી હતી. એજન્સી હવે ધરપકડ કરાયેલા શંકાસ્પદોના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, મોબાઈલ ડેટા, એન્ક્રિપ્ટેડ ચેટ્સ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરશે. આ ઉપરાંત, રાજસ્થાન-પાકિસ્તાન સરહદે ડ્રોન દ્વારા અત્યાધુનિક હથિયારો પાડવાના કથિત નેટવર્કની પણ તપાસ કરવામાં આવશે.