Tue Jan 06 2026

Logo

White Logo

2026માં ક્યારે ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, : ભારતમાં કેટલા દેખાશે, જાણી લો…

3 days ago
Author: Darshana Visaria
Video

2026નું વર્ષખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ રોમાંચક અને મહત્વનું રહેવાનું છે, કારણ કે આ વર્ષે અવકાશમાં એવી એવી અચંબો પમાડનારી ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે. આ જ અવકાશી ઘટનાઓનો એક ભાગ એટલે જ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ. 2026માં કુલ ચાર ગ્રહણ લાગશે જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણનો સમાવેશ થાય છે. પરંતુ આ ચારમાંથી માત્ર એક જ ગ્રહણ ભારતમાં જોવા મળશે.

ચાલો જાણીએ કે આખરે 2026માં ક્યારે ક્યારે ગ્રહણ જોવા મળશે અને એમાંથી કયુ ગ્રહણ ભારતમાં જોવા મળશે, સૂતક કાળ માન્ય રહેશે વગેરે વગેરે…

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ: 'રિંગ ઓફ ફાયર' (17મી ફેબ્રુઆરી, 2026)

જી હા, વર્ષ 2026નું પ્રથમ ગ્રહણ ટૂંક સમયમાં જ એટલે કે 17મી ફેબ્રુઆરીએ લાગવા જઈ રહ્યું છે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે. વાત કરીએ આ ગ્રહણની વિશેષતાની તો આ ગ્રહણમાં ચંદ્ર સૂર્યના લગભગ 96 ટકા ભાગને ઢાંકી દેશે, જેને કારણે આકાશમાં સૂર્ય એક ચમકતી વીંટી જેવો દેખાશે, જેને કારણે જ આ પ્રકારના ગ્રહણને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે.

અવકાશમાં આ અદભૂત નજારો આશરે 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી જોવા મળશે. આ ગ્રહણ દક્ષિણ આફ્રિકા, દક્ષિણ આર્જેન્ટિના અને એન્ટાર્કટિકામાં જોવા મળશે. ભારત પર આ ગ્રહણની અસરની વાત કરીએ તો આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં કોઈ સૂતક કાળ લાગુ પડશે નહીં.

વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ: (ત્રીજી માર્ચ, 2026)

સૂર્ય ગ્રહણના આશરે 15 દિવસ બાદ જ જોવા મળનારું વર્ષનું બીજું અને પહેલું ચંદ્ર ગ્રહણ ભારત માટે ખાસ રહેશે. ત્રીજી માર્ચના રોજ થનારું આ ચંદ્રગ્રહણ ભારતીયો માટે સૌથી મહત્વનું છે, કારણ કે તે એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ સમય દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દેશે, જેનાથી ચંદ્ર લાલ રંગનો દેખાશે. આ ઘટનાને 'બ્લડ મૂન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વર્ષનું એકમાત્ર ગ્રહણ છે કે જે ભારતમાં સંપૂર્ણપણે દેખાશે. 58 મિનિટ સુધી ચાલનારું આ ગ્રહણ ખગોળશાસ્ત્રીઓના મતે, 2029 પહેલાંનું આ છેલ્લું પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. ભારતમાં દેખાવાનું હોવાથી, આ ગ્રહણનો સૂતક કાળ ધાર્મિક અને પરંપરાગત રીતે માન્ય રહેશે.

2026નું બીજું સૂર્ય ગ્રહણ: (29મી જુલાઈ, 2026)

વર્ષનું ત્રીજું અને બીજું સૂર્ય ગ્રહણ ફરી 29મી જુલાઈના રોજ જોવા મળશે. આ ગ્રહણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ગ્રહણ પણ ભારતમાંથી દેખાશે નહીં, જેના કારણે અહીં સૂતક કાળના નિયમો પાળવાની જરૂર રહેશે નહીં.

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ (28મી ઓગસ્ટ, 2026)

વર્ષ 2026નું છેલ્લું અને બીજું ચંદ્ર ગ્રહણ 28મી ઓગસ્ટના રોજ જોવા મળશે. વાત કરીએ આ ગ્રહણ ક્યાં દેખાશે એની તો આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના અમુક વિસ્તારમાં દેખાશે. અગાઉ જણાવ્યું એમ આ ગ્રહણ પણ ભારતમાંથી દૃશ્યમાન થશે નહીં, તેથી ભારતમાં તેની કોઈ ધાર્મિક અસર કે સૂતક કાળ રહેશે નહીં.