ભરત ભારદ્વાજ
દુનિયાના સૌથી સુરક્ષિત અને સલામત મનાતા દેશોમાં એક સ્વિટ્ઝર્લેન્ડના એક સ્કી રીસોર્ટમાં ન્યૂ યર સેલિબ્રેશન વખતે લાગેલી આગમાં 40 લોકો જીવતાં ભડથું થઈ ગયાં અને 100 કરતાં વધારે લોકો ઘાયલ થયાં એ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. જિહાદના નામે ચલાવાતા આતંકવાદે દુનિયાને એ હદે ભરડામાં લીધી છે કે, દુનિયાના કોઈ પણ ખૂણે બ્લાસ્ટ થાય કે આગ લાગે ત્યારે સૌથી પહેલાં લોકોને આતંકવાદી હુમલાનો જ વિચાર આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના ક્રાન્સ-મોન્ટાના સ્કી રીસોર્ટમાં લાગેલી આગમાં મોટી સંખ્યામાં લોકો મર્યાં તેમાં પણ સૌથી પહેલાં તો લોકોને આતંકવાદી હુમલો થયો હશે એવો જ વિચાર આવેલો ને તેના કારણે ફફડાટ પણ થઈ ગયેલો કેમ કે સ્વિત્ઝરલેન્ડ આતંકવાદથી અલિપ્ત રહેલો દેશ છે.
યુરોપમાં ફ્રાન્સ, યુકે, સ્વીડન સહિતના દેશોમાં આતંકવાદી હુમલા થયા કરે છે, પણ સ્વિટ્ઝર્લેન્ડમાં વરસોથી કોઈ આતંકવાદી હુમલો થયો નથી. 1950ના દાયકામાં ડાબેરી વિચારધારા ધરાવતા આતંકવાદીઓએ નાનાં નાનાં છમકલાં કર્યાં હતાં. 1969માં પેલેસ્ટાઈની આતંકવાદીઓએ પ્લેન ઉડાવી દીધેલું તેમાં નવ લોકો માર્યા ગયેલા, જ્યારે 1970માં સ્વિસ એરનું પ્લેન ઉડાવી દીધું તેમાં 47 લોકોનાં મોત થયાં હતાં. એ પછી સ્વિટ્ઝર્લેન્ડમાં મોટો આતંકવાદી હુમલો થયો નથી, જે બે મોટી ઘટનાઓ બની એ પણ આપણે ત્યાં બનતી ઘટનાઓની સરખામણીમાં કંઈ ના કહેવાય. આપણે ત્યાં આતંકવાદી હુમલાઓમાં 250થી વધારે લોકો મર્યાં હોય એવી પણ ઘટનાઓ બની છે. 50થી વધારે લોકોનાં મોતની ઘટનાઓ તો સંખ્યાબંધ છે એ જોતાં સ્વિટ્ઝર્લેન્ડ આતંકવાદથી અલિપ્ત જ કહેવાય.
છેલ્લાં કેટલાંક વરસોમાં યુરોપમાં આતંકવાદ વકર્યો, પણ સ્વિટ્ઝર્લેન્ડને બહુ અસર નથી થઈ. 2020માં અને 2024માં સ્ટેબિંગ એટલે કે છુરાબાજીની ઘટનાઓ બની તેમાં પણ મુસ્લિમો સામેલ હતા પણ તેમાં કોઈ મર્યું નહોતું. ટૂંકમાં છેલ્લા 55 વર્ષથી સ્વિટ્ઝર્લેન્ડમાં મોટો આતંકવાદી હુમલો થયો નથી. હવે અચાનક બ્લાસ્ટ થાય અને 40 લોકો મરી જાય તેથી ચિંતા થવી સ્વાભાવિક છે. પણ સદ્નસીબસ્વિટ્ઝર્લેન્ડમાં થયેલો હુમલો આતંકવાદી હુમલો નથી.
સ્વિટ્ઝર્લેન્ડની સરકારે સત્તાવાર રીતે બ્લાસ્ટ કેમ થયો તેનું કારણ આપ્યું નથી, પણ રીસોર્ટમાં લાગેલી આગ વિસ્ફોટકો દ્વારા કરાયેલા બ્લાસ્ટના કારણે નહોતી લાગી એ સ્પષ્ટ છે તેથી આતંકવાદી હુમલાની શક્યતા તો છે જ નહીં પણ આગ લાગવા માટે જે કારણ બહાર આવ્યું છે એ ગંભીર છે અને સેલિબ્રેશનના અતિરેકમાં કરાતા અખતરા પણ અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે એ તરફ સંકેત કરે છે.
સ્વિટ્ઝર્લેન્ડ પોલીસે સત્તાવાર રીતે આગ કેમ લાગી તેનું કોઈ કારણ આપ્યું નથી ને તપાસ ચાલી રહી છે એવી રેકર્ડ વગાડ્યા કરે છે પણ આગ લાગી ત્યારે બારમાં હાજર સાક્ષીઓના કહેવા પ્રમાણે, શેમ્પેઈનની બોટલોમાં સ્પાર્કલ થાય એટલે કે તણખા ઝરે એ માટે મુકાયેલા સ્પાર્કલર્સના કારણે આગ લાગી હતી. સ્પાર્કલર એક પ્રકારનું દારૂખાનું જ હોય છે. આપણે દિવાળી વખતે તારામંડળ સળગાવીએ છીએ એ સ્પાર્કલર કહેવાય. શેમ્પેઈનની બોટલમાં મૂકાતાં સ્પાર્કલર તારામંડળ જેવાં મોટાં ના હોય પણ બહુ નાનાં હોય. ધીમે ધીમે બળે અને રંગીન જ્વાળાઓ, તણખા પેદા કરે તેથી શેમ્પેઈનની બોટલ કલરફુલ લાગે ને માહોલ રંગીન થઈ જાય. પોટેશિયમ પરક્લોરેટ, ટાઇટેનિયમ અથવા એલ્યુમિનિયમ અને ડેક્સિ્ટ્રનના મિશ્રણથી કોટેડ ધાતુના વાયરમાંથી બનાવાયેલાં સ્પાર્કલર પર ચમક માટે એલ્યુમિનિયમ અથવા મેગ્નેશિયમ પણ લગાવાય છે.
આ સ્પાર્કલર અને શેમ્પેઈન એકબીજાના સંપર્કમાં ના આવે એ રીતે તેનું પેકિગ કરાતું હોય છે પણ કોઈ રીતે ચૂક થઈ તેમાં શેમ્પેઈનમાં આગ લાગી ગઈ ને બોટલ ફૂટી તેમાં બીજી બોટલોમાં પણ આગ લાગી. આલ્કોહોલ ઝડપથી આગ પકડે ને કોન્સ્ટેલેશન બારમાં ન્યૂ યરની ઉજવણી માટે જામેલી હકડેઠઠ ભીડ માટે થોકબંધ દારૂ મંગાવાયેલો તેથી આખો બાર આગનો ગોળો બની ગયો, લોકો જીવતાં જ ભૂંજાઈ ગયાં.
સ્વિટ્ઝર્લેન્ડ પોલીસની તપાસમાં આ વાત બહાર ના આવી હોય એવું ના બને કેમ કે યુરોપની પોલીસ પાસે અત્યાધુનિક ફોરેન્સિક ટેકનોલોજી હોય છે. તેની મદદથી કલાકોમાં આગનું સાચું કારણ જાણી શકાય પણ છતાં પોલીસ એક જ રેકર્ડ વગાડી રહી છે કે હાલ વિસ્ફોટનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને બહુ જલદી વિગતો જાહેર કરાશે. પોલીસ વિગતો જાહેર નથી કરતી તેનું કારણ પ્રવાસન પર પડનારી વિપરિત અસરો હોઈ શકે છે. ક્રાન્સ-મોન્ટાના સ્વિટ્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળામાં આવેલું લક્ઝરી સ્કી રિસોર્ટ છે. સ્વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાકના અંતરે આવેલા આ રીસોર્ટમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
શિયાળો તો કમાણીની સીઝન છે કેમ કે બરફ પર સ્કીઈંગ કરવા માટે યુરોપ જ નહીં પણ અમેરિકા સહિતના દેશોમાંથી લોકો ઉમટે છે. સ્વિટ્ઝર્લેન્ડ મોંઘો દેશ છે ને સામાન્ય માણસનું તો સ્વિટ્ઝર્લેન્ડમાં વેકેશન માણવાનું ગજું જ નથી. તેમાં પણ ક્રાન્સ-મોન્ટાના તો લક્ઝુરીયસ કી રીસોર્ટ છે તેથી ધનિકો સિવાયના કોઈને પરવડે જ નહીં. હવે ધંધાની સીઝનની શરૂઆતમાં જ બ્લાસ્ટ થયો છે તેના કારણે લોકો ડરેલાં છે ત્યાં આ ઘટનાનું પિષ્ટપિંજણ કરીને લોકોને વધારે નહીં ડરાવવા માટે પોલીસ ચુપકીદી સાધી રહી હોય એ શક્ય છે. ભારતમાં આવી કોઈ ઘટના બને ત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયા ખણખોદ કરીને અફવાઓને ઉત્તેજન આપીને લોકોને ડરાવે છે. પોલીસ પણ સત્તાવાર રીતે કશું ના કહે પણ બિનસત્તાવાર રીતે અધૂરી માહિતી આપીને ફફડાટ વધારતી હોય છે. સ્વિટ્ઝર્લેન્ડ પોલીસ એવો ભય ફેલાવવાથી દૂર રહીને શાણપણ બતાવી રહી છે. લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે તેથી લોકો આ ઘટનાને શક્ય એટલી ઝડપથી ભૂલી જાય એવો અભિગમ પોલીસે અપનાવ્યો છે.
ભારત માટે સ્વિટ્ઝર્લેન્ડની ઘટના મોટો બોધપાઠ છે. સેલિબ્રેશનમાં કશું ખોટું નથી પણ એ ઘાતક ના નિવડવું જોઈએ એ આ ઘટનાનો બોધપાઠ છે. ભારતમાં પણ છાસવારે સેલિબ્રેશનનું કલ્ચર વિકસી ચૂક્યું છે. પશ્ચિમના દેશોની નકલ કરીને વાર-તહેવારે દારૂની પાર્ટીઓ કરવી, બાર, ક્લબો અને રીસોર્ટ્સમાં જઈને મજા કરવી અત્યારે નવો ટે્રન્ડ છે. ગ્રાહકોને આકર્ષવા માટે પશ્ચિમના જેવા જ અખતરા કરવાનું વલણ વધતું જાય છે ત્યારે આવા અખતરા કઈ હદે જીવલેણ નિવડી શકે એ સ્વિટ્ઝર્લેન્ડની ઘટનાએ બતાવી આપ્યું છે. ભારતમાં એટલી બધી વસતી છે કે, સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં ભીડ જામી જ જાય છે તેથી વધારે પ્રમાણમાં જાનહાનિ થાય એ સંભાવના પણ વધારે છે. એ જોતાં આપણે સતર્ક થવું પડે.