ચેન્નાઈ: તમિલનાડુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં એક છાપરાને બહારથી તાળું મારીને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ૫૩ વર્ષીય ખેડૂત અને ૪૦ વર્ષીય લિવ ઇન પાર્ટનર જીવતા સળગી ગયા હતા. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યાકાંડ છે. હુમલાખોરોએ ષડયંત્રના ભાગરૂપે છાપરાનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો જેથી અંદર રહેલા લોકો બચવા માટે બહાર ન નીકળી શકે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝૂંપડીમાંથી મળી આવેલા બંને મૃતદેહો એવી હાલતમાં હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી હતી.
આ ડબલ મર્ડર પાછળ પારિવારિક અદાવત હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. મૃતક ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીથી અલગ થઈ ગયા હતા, જે હાલ બેંગલુરુમાં રહે છે. બીજી તરફ મૃતક મહિલા પણ તેના પતિથી અલગ થઈને છેલ્લા ત્રણ વર્ષથી મૃતક પુરુષ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
નોંધનીય છે કે હત્યાની રાત્રે જ મૃતક પુરુષની દીકરી તેમને મળીને રાત્રે 9 વાગ્યે પરત ફરી હતી. હાલ પોલીસે શંકાસ્પદ મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મૃતકોના ભૂતકાળના જીવનસાથીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.