(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાશિકના મંદિર પાછળની જમીનમાં ખોદકામ વખતે મળેલા સોનાના દાગીના સસ્તી કિંમતે વેચવાને બહાને મલાડના વેપારીને નકલી સોનું પધરાવનારી આંતરરાજ્ય ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ગુજરાતના ગાંધીનગરમાં રહેતા દંપતી સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ આ રીતે ગુજરાતમાં પણ અનેકને છેતર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
મલાડ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ બાબુલાલ ભલારામ વાઘેલા (55), કોકુબાઈ બાબુલાલ વાઘેલા (50), મંગલરામ મનારામ વાઘરી (34), કેસારામ ભગતારામ વાઘરી (41) અને ભંવરલાલ બાબુલાલ વાઘરી (48) તરીકે થઈ હતી. બાબુલાલ અને તેની પત્ની કોકુબાઈની ગાંધીનગર જિલ્લાના કલોલમાં બૈજનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. કલોલ કોર્ટમાંથી 18 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બન્નેને મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. પૂછપરછમાં તેમણે આપેલી માહિતી પરથી બાકીના ત્રણ આરોપીને વિરારના કનેર ફાટા નજીકથી તાબામાં લેવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ રાજસ્થાનના વતની હોવાથી બાબુલાલે 26 નવેમ્બરે મલાડના વેપારી દિનેશ મહેતાનો સંપર્ક સાધી રાજસ્થાની ભાષામાં સંવાદ સાધ્યો હતો. મહેતા સાથે મિત્રતા વધાર્યા પછી બાબુલાલે નાશિકના એક મંદિર પાછળની જમીનમાં ખોદકામ વખતે સોનાના દાગીના મળ્યા હોવાની વાત કરી હતી. 900 ગ્રામથી વધુ વજનના દાગીના વેચવામાં મદદ કરવા અથવા સસ્તા દરે પોતે જ ખરીદી લેવાની લાલચ આરોપીએ મહેતાને આપી હતી.
મહેતાનો વિશ્ર્વાસ બેસે તે માટે પહેલાં આરોપીએ સૅમ્પલ તરીકે અસલી સોનાના મણિ આપ્યા હતા. ચોખ્ખું સોનું હોવાની ખાતરી થતાં મહેતાએ પચીસ લાખ રૂપિયા દાગીના ખરીદી લીધા હતા. જોકે બાદમાં ઝવેરી પાસે દાગીનાની ચકાસણી કરાવવામાં આવતાં તે નકલી હોવાનું જણાયું હતું. પરિણામે મહેતાએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુનો 26 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન થયો હોવાથી મલાડ પોલીસ સ્ટેશનના એપીઆઈ દીપક રાયવડેએ ટીમ સાથે આ સમયગાળામાંના મલાડ અને કાંદિવલીના 100થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમ ગાંધીનગરના બાબુલાલ સુધી પહોંચી હતી. પૂછપરછમાં બાબુલાલની પત્નીની પણ સંડોવણી સામે આવી હતી.
આરોપી બાબુલાલના ઘરથી 15.45 લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જણાયું હતું. આરોપીએ આ રીતે વિવિધ રાજ્યોના નાગરિકોને છેતર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.