ભુજઃ ઠંડીની શરૂઆત વચ્ચે કચ્છમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ધોરડોના શ્વેત રણમાં ચાલી રહેલા રણોત્સવ, લખપતના ઐતિહાસિક કિલ્લા સહિતના જોવાલાયક પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોટાભાગની હોટલ, રિસોર્ટ, ટેન્ટ્સ હાઉસફુલ થઈ ગયા છે. જગપ્રસિદ્ધ રોડ ટુ હેવન સાથે વૈશ્વિક વિરાસત ધોળાવીરામાં પણ ટેન્ટસિટી સહિતની વ્યવસ્થાના કારણે પ્રવાસનની આખી સર્કિટ ઉભી થઈ ગઈ છે.
તંત્રને એક કરોડથી વધુની આવક
દર વખતે નાતાલ પર્વની રજાઓમાં સહેલાણીઓ ઉમટી પડે છે અને નવા વર્ષની ઉજવણી કચ્છનાં શ્વેત રણમાં કરવા સાથે છેક ઉત્તરાયણના પર્વ સુધી પ્રવાસનની પીક રહે છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે ટ્રેન, વિમાન અને બસ સેવામાં પણ બુકિંગ ફૂલ થયું છે આ સાથે ટેક્ષી સંચાલકોની બીજી વાર દિવાળી આવી છે. રણોત્સવને લઈને અંદાજિત એક લાખથી વધારે પરમીટ ઇસ્યુ કરનારા તંત્રને પણ એક કરોડથી વધુની આવક થઈ છે.
કચ્છના જાહેર માર્ગો પર પણ પ્રવાસીઓના ટોળા
ગુજરાત સરકારના પર્યટન નિગમના છેલ્લા એક દાયકાના પ્રયાસો રંગ લાવ્યા છે.આમ પણ કચ્છમાં આવેલા ૨૦૦૧નાં વિનાશક ભૂકંપ બાદ આ સરહદી જિલ્લાને આંતર્રાષ્ટ્રીય ખ્યાતી મળવા પામી છે અને મહાનાયક અમિતાભ બચ્ચનના 'કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા'ના સ્લોગનની અસર પણ જોવા મળી રહી હોય તેમ કચ્છના જોવાલાયક સ્થળોએ તેમજ જાહેર માર્ગો પર પણ પ્રવાસીઓના ટોળા અને ટુરિસ્ટ બસોની દોડધામ જોવા મળી રહી છે.
હેન્ડીક્રાફ્ટની દુકાનો,કચ્છની પરંપરાગત મીઠાઈ જેવી કે ખાવડાનો મેસુક, જુના ભુજનો માવા વાળો ગુલાબ પાક, ડ્રાયફ્રુટ અડદિયા, ચીક્કી અને ફરસાણી દુનિયાના પકવાન, તીખો ચેવડો, શક્કરપારા જેવા વ્યંજનો વહેચતી દુકાનો પર પર્યટકો છુટથી ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કચ્છી ભાણા અને કચ્છી ઊંધિયું બનાવતી હોટલ-રેસ્ટોરન્ટો પણ ફૂલ જોવા મળી રહી છે.
દરમ્યાન, આજે ભુજમાં લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી સે.થઇ ગયું હોવા છતાં વહેલી સવારથી જ પર્યટકો ભુજના હેરિટેજ વિસ્તારોમાં ઘૂમતા જોવા મળ્યા હતા અને જ્યાં કચ્છના મહારાવનો દરબાર ભરતો તે દરબારગઢમાં આવેલા પ્રાગમહેલ સંકુલમાં દિવસભર પર્યટકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.