મુંબઈ: મુંબઈ-ગોવા નૅશનલ હાઈવે પર રાયગડ જિલ્લામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં. પુત્રનાં લગ્ન નક્કી થયાં હોવાથી પિતા વિદેશથી આવ્યા હતા, પરંતુ ઍરપોર્ટથી ઘરે જતી વખતે માર્ગમાં જ કાળ ભરખી ગયો હતો.
કોલાડ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતની ઘટના શનિવારની સવારે કોલાડ નજીકના પુઈ ગામ પાસે બની હતી. અકસ્માતમાં સજ્જાદ સરખોત અને તેના પુત્ર અવૈસ સરખોતનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. સજ્જાદનો બીજો પુત્ર ગંભીર રીતે ઘવાયો હોવાથી સારવાર માટે તેને કોલાડની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર રાયગડ જિલ્લાના માણગાંવ તાલુકામાં આવેલા વનીપુરાર ગામનો વતની સજ્જાદ કામ નિમિત્તે વિદેશમાં રહેતો હતો. દરમિયાન પુત્ર અવૈસનાં લગ્ન નક્કી થયાં હતાં. લગ્ન આ જ મહિને હોવાથી સજ્જાદ વિદેશથી પાછો ફર્યો હતો.
સજ્જાદની ફ્લાઈટ શનિવારના મળસકે મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી હતી. પિતાને લેવા અવૈસ નાના ભાઈ સાથે કારમાં ઍરપોર્ટ પહોંચ્યો હતો. ઘરે પાછા ફરી વખતે તેમની કાર આગળ જઈ રહેલા ક્ધટેઈનર સાથે ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો બોનેટનો ભાગ ક્ધટેઈનરની નીચે ફસાઈ ગયો હતો.
અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે કારના અમુક ભાગ તૂટીને રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ કારની હાલત એવી હતી કે અંદર ફસાયેલા પિતા-પુત્રને બહાર કાઢવા મુશ્કેલ હતું.
દરમિયાન કોલાડ પોલીસ, હાઈવે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઈડ્રોલિક કટરની મદદથી કારનો અમુક ભાગ કાપીને પિતા-પુત્રને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પરના વાહનવ્યવહારને અસર થઈ હતી.