નવી દિલ્હીઃ સન ફાર્માના એકમ ટેરો ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે ઉત્પાદનની ક્ષતિને ધ્યાનમાં લેતા અમેરિકી બજારમાંથી 17,000 કરતાં વધુ માત્રામાં એન્ટીફંગલ મેડિકેશન પાછા ખેંચ્યા હોવાનું યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે.
અમેરિકી સ્વાસ્થ્ય નિયામકનાં તાજેતરના એન્ફોર્સમેન્ટના અહેવાલમાં જણાવ્યાનુસાર હોથોર્ન સ્થિત સન ફાર્મા/ટેરો સિક્લોપીરોક્સ શેમ્પુના 17,664 નંગ પાછા ખેંચી રહી છે. જે સેબોરેહિક ત્વચાની સારવાર કરતી એક એન્ટીફંગલ દવા છે. કંપનીનો આ લોટ ડિગે્રડેશન/અશુદ્ધીની નિર્દિષ્ટ પ્રક્રિયામાં અસફળ હોવાથી કંપની ગત નવમી ડિસેમ્બરે આ લોટ બજારમાંથી પાછો ખેંચી રહી હોવાનું ડ્રગ નિયામક યુએસએફડીએએ જણાવ્યું હતું.
યુએસએફડીએના મતાનુસાર ક્લાસ ટૂ હેઠળ આ લોટ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. જેમાં ઉત્પાદનના વપરાશથી કામચલાઉ અથવા તો તબીબી રીતે ઉલટાવી શકાય તેવાં સ્વાસ્થ્ય પરિણામો આવી શકે છે અથવા તો સ્વાસ્થ્ય માટે ગંભીર પ્રતિકૂળ અસર થવાની સંભાવના ઓછી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝે 34.773 કરોડના મૂલ્યના સોદા સાથે ગત સાલ ટેરો ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જર પૂર્ણ કર્યું છે.