વર્ષ ૨૦૨૬ની શરૂઆત જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી અને મંગલકારી રહેવાની છે. આવું એટલા માટે કારણ કે જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં જ એક એવો દુર્લભ સંયોગ રચાવવા જઈ રહ્યો છે કે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. બીજી જાન્યુઆરીના રોજ મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રની યુતિ થવાથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે.
જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત પ્રભાવશાળી અને શુભ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં ગુરુ અને ચંદ્ર એકબીજાથી કેન્દ્ર સ્થાને અથવા યુતિમાં હોય ત્યારે આ યોગ બને છે, જે વ્યક્તિને હાથી જેવું બળ અને સિંહ જેવી હિંમત તેમજ અપાર સંપત્તિ પ્રદાન કરે છે. આ યોગને કારણે કેટલી રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને ધન-સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે ૨૦૨૬ની શરૂઆત આર્થિક રીતે માલામાલ કરનારી સાબિત થશે. લાંબા સમયથી અટવાયેલું ધન અચાનક પાછું મળી શકે છે. જો તમે શેરબજાર, પ્રોપર્ટી કે કિંમતી ધાતુઓમાં રોકાણ કર્યું હોય, તો તેમાં જંગી નફો મળવાની શક્યતા છે. નોકરીમાં તમારા કામની કદર થશે. પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને પરિવાર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
મિથુનઃ
ગજકેસરી યોગ મિથુન રાશિમાં જ બની રહ્યો હોવાથી આ રાશિના જાતકોને સૌથી વધુ પ્રભાવ જોવા મળશે. તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે, જેનાથી કાર્યસ્થળ પર તમે અઘરા પ્રોજેક્ટ્સ પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને નવી તકો મળશે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે અને પિતા તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આ યોગ વ્યાપારિક અને વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા લાવશે. વેપારીઓને કોઈ મોટો ઓર્ડર કે બિઝનેસ ડીલ મળી શકે છે, જે આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે, તેમના માટે આ યોગ સાનુકૂળ તકો ઊભી કરી શકે છે. આ સમયે વૈવાહિક જીવનમાં મધુરતા જોવા મળશે. તમે જીવનસાથી સાથેનો તાલમેલ સુધરશે. કરિયરમાં ઝડપી પ્રગતિના સંકેતો છે.