વર્ષ 2025 પુર્ણ થવાને આરે છે. ત્યારે આ વર્ષ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી માટે મિશ્ર રહ્યો છે. જ્યારે ઘણી સિરીયલોને દર્શકોનો પ્રેમ મળ્યો તો ઘણી સિરીયલોને તાળા મારવાનો વારો આવ્યો હતો. એક તરફ સોશિયલ મીડિયા અને OTTના જમાનામાં નવા શો દ્વારા દર્શકોને આકર્ષવાના પ્રયાસો થયા, તો બીજી તરફ કેટલીક મોટી ફિલ્મી હસ્તીઓ અને જાણીતા બેનરના શો પણ દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહ્યા. નબળી વાર્તા અને સતત ઘટતી ટીઆરપી (TRP) ને કારણે ચેનલોએ અનેક બિગ બજેટ શોને અધવચ્ચે જ બંધ કરવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો છે.
કલર્સ ટીવી પર ભાઈ-બહેનના પ્રેમની અનોખી કથા લઈને આવેલો શો 'ધાકડ બીરા' જુલાઈ 2025માં શરૂ થયો હતો, પરંતુ માત્ર ચાર જ મહિનામાં નવેમ્બરમાં તેને આટોપી લેવો પડ્યો. આવી જ હાલત લોકપ્રિય ફ્રેન્ચાઈઝી 'બડે અચ્છે લગતે હૈ 4' ની થઈ. શિવાંગી જોશી અને હર્ષદ ચોપરા જેવી સ્ટાર કાસ્ટ હોવા છતાં, જૂનમાં શરૂ થયેલો આ શો સપ્ટેમ્બર સુધીમાં જ પડદા પાછળ ધકેલાઈ ગયો, કારણ કે તે અગાઉની સીઝન જેવી લોકપ્રિયતા મેળવી શક્યો નહીં.
સ્ટાર પ્લસના શો 'ઈસ ઈશ્ક કા રબ રાખા'માં ફહમાન ખાન અને સોનાક્ષી બત્રાની જોડીને શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઘટતી વ્યૂઅરશીપને કારણે એપ્રિલ 2025માં તેને બંધ કરવો પડ્યો. તેવી જ રીતે, અશનૂર કૌર અને જૈન ઈમામનો શો 'સુમન ઈન્દોરી' જે સપ્ટેમ્બર 2024માં શરૂ થયો હતો, તે પણ લાંબુ ખેંચી શક્યો નહીં અને એપ્રિલ 2025માં તેના પર તાળા લાગી ગયા. દર્શકોને સ્ટોરીમાં નવું કઈ ન દેખાતા આ શોની લોકપ્રિયતામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
મેકર્સને સૌથી મોટો આંચકો 'દીવાનિયત' શોથી લાગ્યો છે. નવેમ્બર 2024માં ખૂબ જ આશા સાથે શરૂ થયેલો આ શો દર્શકોનું મનોરંજન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યો. આ સિરિયલ એટલી નબળી સાબિત થઈ કે માત્ર 79 એપિસોડ બાદ જાન્યુઆરી 2025માં તેને બંધ કરી દેવો પડ્યો હતો. આમ, 2025નું વર્ષ અનેક મોટા પ્રોડક્શન હાઉસ માટે શીખ સમાન રહ્યું છે કે માત્ર સ્ટાર પાવર નહીં પણ મજબૂત સ્ક્રિપ્ટ જ ટીવી પર ટકી શકે છે.