રૂપિયો નબળો પડતાં વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 808નો સુધારો, ચાંદી રૂ. 2793 ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ આ કપાત માટે પણ મત વિભાજિત થયાના અહેવાલ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં એકતરફી તેજી આગળ હોવાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં વધુ કિલોદીઠ રૂ. 2793નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 36 પૈસાનું ધોવાણ થવાથી સોનાની આયાત પડતરો વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 805થી 808નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2793 વધીને રૂ. 1,88,281ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની અને રિટેલ સ્તરની માગ મર્યાદિત રહી હતી.
વધુમાં આજે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં રૂપિયામાં જોવા મળેલા ધોવાણને કારણે આયાત પડતરો વધી આવતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ ભાવ રૂ. 805 વધીને રૂ. 1,28,081 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 808 વધીને રૂ. 1,28,596ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી ભાવસપાટીએથી માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં હાજર અને વાયદામાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં હાજરમાં ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 4217.09 ડૉલર અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 0.5 ટકા વધીને 4244.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં પુરવઠાખેંચ સામે ઔદ્યોગિક માગ પ્રબળ રહેતાં ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 62.88 ડૉલરની નવી ટોચ દાખવ્યા બાદ એક ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 62.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ આ નિર્ણયમાં મત વિભાજિત થયાના નિર્દેશ તેમ જ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતને સ્થગિત રાખવાનો સંકેત આપ્યો હતો અને કપાતનો આધાર રોજગારી તથા ફુગાવાના ડેટા પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ફેડરલ હજુ મોટી માત્રામાં વ્યાજદરમાં કાપ મૂકી શકત.
હવે રોકાણકારોની નજર આગામી 16મી ડિસેમ્બરના રોજ જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા અને બેરોજગારીના ડેટાની જાહેરાત પર સ્થિર થઈ છે.