Thu Jan 01 2026

Logo

White Logo

ડિસેમ્બરમાં પાવરનો વપરાશ : સાત ટકા વધીને 138.39 અબજ યુનિટ

3 hours ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ ગત ડિસેમ્બરમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં હીટિંગ એપ્લાયન્સી, ગિઝર અને બ્લોએર જેવાં ઉપકરણોના વપરાશમાં વધારો થવાથી દેશમાં પાવરનો વપરાશ ડિસેમ્બર, 2024ના 129.39 અબજ યુનિટ સામે સાત ટકા વધીને 138.39 અબજ યુનિટની સપાટીએ રહ્યો હતો.

સરકારી આંકડાકીય માહિતી અનુસાર ગત ડિસેમ્બર મહિનામાં પીક પાવર માગ અથવા એક દિવસીય સર્વોચ્ચ વપરાશ જે ડિસેમ્બર, 2024માં 224.23 ગિગા વૉટ હતો તે વધીને 241.20 ગિગા વૉટની સપાટીએ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત મે, 2024ના રોજ પીક પાવર માગ 250 ગિગા વૉટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. તે પૂર્વેની સર્વોચ્ચ સપાટી સપ્ટેમ્બર, 2023માં 243.27 ગિગા વૉટની નોંધાઈ હતી.

ગત ઉનાળાની મોસમમાં અથવા તો ગત એપ્રિલ પછી સૌથી વધુ પીક પાવર માગ જૂન મહિનામાં 242.77 ગિગા વૉટના સ્તરે રહી હતી. જોકે, સરકારે વર્ષ 2025ના ઉનાળાની મોસમમાં પીક પાવર માગ 277 ગિગા વૉટ આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો હતો.

નિષ્ણાતોના મતાનુસાર ગત ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતાં ગિઝર અને બ્લોઅર જેવાં હિટિંગ એપ્લાયન્સીસના ઉપયોગમાં વધારો થવાને કારણે દેશમાં ખાસ કરીને ઉત્તર ભારત સહિતનાં વિવિધ હિસ્સાઓમાં ઈલેક્ટ્રિસિટીના વપરાશમાં વધારો જોવા મળ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી પશ્ચાત્‌‍ ઠંડીનો પારો નીચો રહે તેમ હોવાથી જાન્યુઆરી મહિનાની પાવરની માગ લગભગ આ જ સપાટી આસપાસ જળવાઈ રહેશે.

મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં હિમાલિયન વિસ્તારોનાં પવનને કારણે આગામી ત્રીજી જાન્યુઆરીથી દિલ્હીમાં ઠંડીનું મોજું વિકસવાની શક્યતા છે અને તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.