Fri Jan 02 2026

Logo

White Logo

વલસાડમાં નિર્માણાધીન પુલનો એક હિસ્સો ધરાશાયી : 5 મજૂર ઘાયલ, તપાસના આદેશ

3 weeks ago
Author: Himanshu Chavda
Video

વલસાડ: ગુજરાત રાજ્યમાં 2025ના અંતમાં પુલ ધરાશાયી થવાની વધુ એક ચોંકાવનારી ઘટના ઘટી છે. વલસાડ જિલ્લામાં આજે સવારે નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. ઔરંગા નદી પરના પુલના ગર્ડર્સના લેવલિંગ પ્રક્રિયા વખતે માળખાનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં પાંચેક કામદાર ઘાયલ થયા હતા. સમગ્ર બનાવ મુદ્દે તપાસ પણ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. 

5 મજૂર ઇજાગ્રસ્ત

વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી પર એક પુલનું બાંધકામ ચાલી રહ્યું છે. આજે સવારે લગભગ 9:15 વાગ્યાની આસપાસ કેટલાક મજૂરો પુલના પાયા અને ગર્ડરને બેલેન્સ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જેની નીચે મજૂરો દટાયા હતા. 

ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરોએ દુર્ઘટનાની સ્થાનિક વહીવટીતંત્ર તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે પુલના કાટમાળ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત પાંચેય મજૂરોને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓ તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

દુર્ઘટનાની થશે તપાસ

વલસાડ જિલ્લામાં થયેલી આ દુર્ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર ભવ્યા વર્માએ જણાવ્યું છે કે, ગર્ડરનું બેલેન્સ કેવી રીતે ખોરવાયું, આ અંગે માર્ગ અને મકાન વિભાગ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે ઔરંગા નદી પરનો બ્રિજ લગભગ 45 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. જેને બે મહિના પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. પુલની કામગીરી એક વર્ષમાં પૂરી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં થયેલી દુર્ઘટનાને લઈને હાલ આ કામગીરી ધીમી પડશે, તેવી શક્યતાઓ જણાઈ રહી છે.