Tue Dec 16 2025

Logo

White Logo

ગુજરાત સરકારે કમોસમી વરસાદના નુકસાન : પેટે રૂપિયા 6805 કરોડથી વધુની સહાય ચૂકવી

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર : ગુજરાત સરકારે  કમોસમી વરસાદના નુકસાન પેટે  અત્યાર સુધી રૂપિયા 6805 કરોડથી વધુની સહાય ચૂકવી છે. આ અંગે માહિતી આપતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન  મોઢવાડીયાએ જણાવ્યું હતું કે  કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના 33 લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 27 લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને છેલ્લા 10  દિવસમાં કુલ 22.90 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂપિયા  6805  કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. 

17 હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો 

તેમેણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ સહાય અગાઉ રૂ. 11 હજાર હતી તે વધારીને રૂ. 22  હજાર અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ રૂ. 44  હજાર આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જેનો રાજ્યના 18 હજાર ગામોમાંથી 17 હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે.

114  તાલુકામાં 317 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

મંત્રી  મોઢવાડીયાએ વધુમાં કહ્યું હતું કે, આર્થિક સહાય અંતર્ગત મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે. હાલમાં ગુજરાતમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી માટે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ગત વર્ષે આ ખરીદી માટે માત્ર ચાર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં આ વર્ષે અઢી ગણો વધારો થયો છે. રાજ્યમાં મગફળીની ખરીદી માટે 114  તાલુકામાં 317 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

મગફળી, સોયાબીન, મગ અને અડદની  ખરીદી કરવામાં આવી 

 નવેમ્બરથી અત્યાર સુધીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે કુલ 10.11 લાખ ખેડૂતો પૈકી 4.75 લાખથી વધુ ખેડૂતો પાસેથી 10.49 લાખ મેટ્રિક ટન જથ્થાની રૂ. 7537 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી  કુલ 2.18 લાખ કરતા વધુ ખેડૂતોને રૂ. 3468 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મગફળી સિવાયના પાકની ટેકાના ભાવે ખરીદી હાલમાં ચાલી રહી છે. આમ, આ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂ.  8798 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. ખેડૂતોને મગફળી અને નુકસાનીના બંને પેકેજ સ્વરૂપે કુલ રૂ. 26 હજાર કરોડની  રકમનું ચૂકવણું કરવામાં આવશે.