ખેડા: ખેડા જિલ્લાના નડિયાદ–કપડવંજ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. મહુધા તાલુકાના વડથલ રઈજીપુરા પાટિયા નજીક CNG રિક્ષા અને મોટરસાઇકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 13 વર્ષની બાળકી સહિત 34 વર્ષીય માતાનું મોત થયું હતં. આ સાથે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકોમાં 38 વર્ષીય મહિલા અને તેમની 13 વર્ષીય પુત્રી તમન્ના બાનું નવાબ બેગ મિર્ઝાનો સમાવેશ થાય છે.
બાઈક પર ઘરે જતા પરિવારને નડ્યો અકસ્માત
માહિતી પ્રમાણે કપડવંજનો એક પરિવાર બાઈક પર ઘરે પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન વડથલ રઈજીપુરા પાટિયા પાસે સામે થી આવી રહેલી CNG રિક્ષા સાથે તેમની બાઈકની સામસામે ટક્કર થઈ અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક પર બેઠેલી 13 વર્ષની માસૂમ બાળકી અને તેની માતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. એક જ પરિવારના બે લોકોના મોત થયાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
અકસ્માતમાં રિક્ષા અને બાઈક પર સવાર ત્રણેય અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સ્થળ પર હાજર લોકોએ તમામ ઈજાગ્રસ્તોને કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. અત્યારે આ લોકોની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ અકસ્માત અંગે જાણ થતાં જ મહુધા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી તેમજ બંને મૃતદેહોને કબજે લઈને મહુધા સમુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.
પોલીસે CNG રિક્ષા અને મોટરસાઇકલને રોડ પરથી હટાવીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે જાણવા મળ્યું કે, આ અકસ્માત હાઇ સ્પીડ અને સામસામે ટક્કર થઈ હોઈ શકે છે. જો કે, ચોક્કસ કારણ જાણવા માટે હજી આગળની તપાસ ચાલી રહી છે.