Sat Dec 13 2025

Logo

White Logo

મહીસાગરના બાલાસિનોરમાંથી રૂપિયા 2.37 કરોડનો : 473 કિલો ગાંજો ઝડપાયો, એક વ્યકિતની ધરપકડ...

2 hours ago
Author: Chandrakant Kanoja
Video

બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.

ગાંજાની બજાર કિંમત આશરે રૂપિયા 2.37 કરોડ

બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.