Tue Dec 16 2025

Logo

White Logo

ગુજરાતમાં એક તૃત્યાંશ મૃત મતદારો : રાજ્યના ચાર જિલ્લામાં, ડાંગમાં સૌથી ઓછા...

21 hours ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં કુલ મૃત મતદારના એક તૃત્યાંશ મૃત મતદાર ચાર જિલ્લામાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ચાર જિલ્લામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન સૌથી ઓછા મતદાર મૃત હોવાનું બહાર આવ્યું હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. 

7, 394,000 મતદારની યાદી ડ્રાફ્ટ લિસ્ટમાં નથી, આ તમામ મતદાર હયાત ન હોવાનું બહાર આવ્યું હતું. વર્ષ 2025ની મતદાર યાદીમાં પણ કુલ 1,805,000 મૃત હોવાનું બહાર આવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર ગામડાઓમાં તલાટી અથવા સરપંચને મૃતકો વિશે માહિતી હોવાથી તેમનું કામ સરળ બન્યું હતું, પરંતુ શહેરી વિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસર માટે મૃત મતદાર વિશેની માહિતી મેળવવાનું અઘરું સાબિત થયું હતું. 

આથી હવે સ્મશાનગૃહો સાથે ડેટાનો તાલમેલ બેસાડવામાં આવી રહ્યો છે. હાલમાં મૃતકની આધાર પરની માહિતી અનુસાર મતદાર યાદીમાં માહિતી લેવામાં આવી છે અને સતત તેમાં ફેરફાર કરવામાં આવતા રહેશે. 
સત્તાવાર માહિતી અનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં 6,36,000 મતદારોને મતદાર યાદીમાં મૃતક તરીકે ઓળખવામાં આવ્યા હતા. વડોદરાના રાવપુરા મતવિસ્તારમાં મૃતક મતદારોની સંખ્યા સૌથી વધુ છે, ત્યારબાદ અમદાવાદના વેજલપુર મતવિસ્તારનો ક્રમ આવે છે. 

સુરતના કરંજ વિધાનસભા મતવિસ્તાર અને વરાછા વિધાનસભા મતવિસ્તારમાં મૃત્યુને કારણે નામ રદ થવાની સૌથી ઓછી સંખ્યા નોંધાઈ હતી. કરંજમાં 2,600 અને વરાછામાં 3,419 મતદારો મૃતક હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લાઓમાં, ડાંગમાં મૃત્યુને કારણે સૌથી ઓછા 3,962 મતદારોના નામ કાપવામાં આવ્યા હતા.