બાલી: હેટ્રિક લેવી એ કોઈ પણ બોલર માટે એક મોટી સિદ્ધિ હોય છે, ખાસ કરી T20 જેવા ટૂંકા ફોર્મેટમાં. એવામાં ઇન્ડોનેશિયા 28 વર્ષીય બોલરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે. આજે બાલી ખાતે ઇન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચે T20I મેચ રમાઈ હતી, જેમાં ઇન્ડોનેશિયાના રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર ગેડે પ્રિયંદનાએ એક ઓવરમાં કંબોડિયાની અડધી ટીમને આઉટ કરી લીધી.
એક ઓવરમાં હેટ્રિક સહીત 5 વિકેટ ઝાટકીને ગેડે પ્રિયંદનાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે એક ઓવરમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ઇન્ડોનેશિયા અને કંબોડિયા વચ્ચે આઠ T20I મેચની સિરીઝ રમાઈ રહી છે, જેની પહેલી મેચ આજે બાલીના લપંગન ક્રિકેટ ઉદયના ગ્રાઉન્ડમાં રમાઈ હતી. કંબોડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ઇન્ડોનેશિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 167 બનાવ્યા, જેમાં ધર્મા કેસામાએ 68 બોલનો 110 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો.
16મી ઓવરમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ:
168નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કંબોડિયાની કમ્બોડિયાની 14.3 ઓવરમાં 104 રન પર પંચમી વિકેટ પડી. ત્યાર બાદ 16મી ઓવર ફેંકવા ગેડે પ્રિયંદના આવ્યો, તેને ઓવરના પહેલા ત્રણ બોલમાં ત્રણ વિકેટ ખેરવીને હેટ્રિક પૂરી કરી. ત્યાર બાદ ચોથો બોલ ડોટ બોલ રહ્યો. પાંચમા બોલ પર તેણે વધુ એક વિકેટ લીધી, ત્યાર બાદ છેલ્લા બોલે વિકેટ લઇને તેને કમ્બોડિયાની ટીમને ઓલ આઉટ કરી દીધી. આમ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો.
આ પહેલા પુરુષ કે મહિલા આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં અત્યાર સુધી કોઈ પણ ખેલાડીએ એક ઓવરમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ન હતી, આજે ગેડે પ્રિયંદનાએ ઈતિહાસ રચ્યો છે.
ગેદે પ્રિયંદાના પહેલા T20 ક્રિકેટમાં એક ઓવરમાં 4 વિકેટ લેવાની ઘટના 14 વખત બની ચુકી છે, પરંતુ એક ઓવરમાં પાંચ વિકેટ લેવાની ઘટના પહેલી વાર બની છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ વિકેટ પડી ચુકી છે:
ડોમેસ્ટિક ક્રિકેટ કે લીગ T20 ક્રિકેટમાં એક ઓવરમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ અગાઉ બે બોલરો મેળવી ચુક્યા છે. 2013-14માં વિક્ટરી ડે T20 કપમાં UCB-BCB XIના અલ-અમીન હુસૈને અબહાની લિમિટેડ સામે એક ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી. કર્ણાટકના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2019-20માં અભિમન્યુ મિથુને સેમિફાઇનલમાં એક ઓવરના હરિયાણાના 5 બેટર્સને આઉટ કર્યા હતા.