ઍડિલેઇડઃ ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ (Ashes) ટેસ્ટ સિરીઝમાં બ્રિસ્બેનની બીજી મૅચમાં પણ ઇંગ્લૅન્ડની ટીમ હારી ગઈ ત્યાર બાદ હેડ-કોચ બે્રન્ડન મૅક્લમના નેતૃત્વમાં ટીમના બધા ખેલાડીઓ નૂસા (Noosa) બીચ પર ગયા હતા જ્યાંની તેમની કથિત કરતૂતને લીધે વિવાદ શરૂ થયો છે. ઑસ્ટ્રેલિયા (Australia)એ બ્રિસ્બેનની બીજી ટેસ્ટ બાદ ઍડિલેઇડની ત્રીજી ટેસ્ટ પણ જીતીને પાંચ મૅચવાળી સિરીઝની ટ્રોફી પર 3-0થી કબજો મેળવી લીધો છે.
વાત એવી છે કે બ્રિટિશ ટીમ લાગલગાટ બે પરાજયને લીધે આઘાતમાં ડૂબી ગઈ હતી અને તેમને ત્યારની પરિસ્થિતિમાંથી બહાર લાવવા તેમ જ ટીકા-ટિપ્પણીઓના માહોલથી દૂર લઈ જવા મૅક્લમ તેમને નૂસા બીચ લઈ ગયો હતો જ્યાં ખેલાડીઓએ વધુ પડતો દારૂ પીધો હોવાના અહેવાલ છે.
જોકે ઇંગ્લૅન્ડના ક્રિકેટ ડિરેકટર રૉબ કીએ આ બનાવમાં તપાસ શરૂ કરાવી છે. તેમણે કહ્યું છે કે ` લોકો કહી રહ્યા છે કે અમારા ખેલાડીઓએ વધુ પડતી શરાબનું સેવન કર્યું હતું. અમે આ આક્ષેપ સંબંધમાં પૂરી તપાસ કરીશું. આવું કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમની બાબતમાં સ્વીકાર્ય ન હોય. મને જ્યાં સુધી ખબર પડી ત્યાં સુધી કહી શકું એમ છું કે ખેલાડીઓનું વર્તન વ્યવસ્થિત હતું, તેમણે લંચ અને ડિનર સમયસર કર્યું હતું અને મોડી રાત સુધી હોટેલની બહાર પણ નહોતા.'
રૉબ કીએ એવું પણ જણાવ્યું છે કે ` જો વધુ પડતી શરાબ પીવામાં આવી હશે તો તપાસ થશે. હું શરાબ સંસ્કૃતિની વિરુદ્ધમાં છું. થોડી શરાબ ઠીક છે, પણ વધુ પડતી જરાય ચાલે નહીં. ડિનર પર એકાદ ગ્લાસ વાઇન ચાલી જાય, પણ સિરીઝ દરમ્યાન બેપરવાહ થઈને વધુ પડતી શરાબ પીવાય જ નહીં.'
રૉબ કીનું એવું પણ કહેવું છે કે તેમણે ટી-20ના કૅપ્ટન હૅરી બ્રૂક તથા યુવા ઑલરાઉન્ડર જૅકબ બેથેલને અગાઉ જ ચેતવણી આપી હતી. ન્યૂ ઝીલૅન્ડ સોમની ત્રીજી વન-ડેની અગાઉ બિયર-બારમાં શરાબ પીવામાં આવી હોય એવો એવો વીડિયો વાઇરલ થતાં તેમણે આ પગલું લીધું હતું.
હવે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે મેલબર્નમાં 26મી ડિસેમ્બરથી (બૉક્સિંગ-ડેના દિવસથી) ચોથી ટેસ્ટ શરૂ થશે.