અબુધાબી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મીની ઓક્શન આજે મંગળવારે બપોરે અબુધાબીના એતિહાદ એરેના ખાતે શરુ થશે, આ હરાજી શરુ થાય એના 24 કલાક પહેલા સોમવારે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ સોમવારે ઓક્શન રજિસ્ટરમાં 19 નવા ખેલાડીઓના નામ ઉમેર્યા હતાં, આ સાથે પૂલમાં ખેલાડીઓની કુલ સંખ્યા 369 થઈ ગઈ છે. BCCIએ છેલ્લી ઘડીએ ભરેલા આ પગલાને કારણે કેટલીક ફ્રેન્ચાઈઝીઓ નારાજ થઇ છે.
એક અહેવાલ મુજબ, છેલ્લી ઘડીએ ઓક્શન રજિસ્ટરમાં 19 ખેલાડીઓના સમાવેશ સામે કેટલીક ફ્રેન્ચાઇઝીઓ સવાલ ઉઠાવી રહી છે. ખેલાડીઓને ખરીદવા અંગે ચર્ચા કરવા ફ્રેન્ચાઇઝને ખુબ જ ઓછો સમય મળ્યો છે. એક ફ્રેન્ચાઇઝના પદાધિકારીઓએ જણાવ્યું કે અગાઉ ક્યારેય છેલ્લી ઘડીએ આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય એવું બન્યું નથી.
આ ખેલાડી અંગે સૌથી વધુ ચર્ચા:
ઓક્શન રજિસ્ટરમાં ગઈ કાલે ઉમેરવામાં આવેલા ખેલાડીઓમાં સૌથી વધુ ચર્ચા ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળની ટીમના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરનની થઇ રહી છે, ઓક્શનમાં તેની બેઝ પ્રાઈઝ રૂ.30 લાખ રાખવામાં આવી છે. તેને ઓક્શન સ્પ્રેડશીટમાં 360મા ક્રમે મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઈશ્વરન ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, ભારતની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન માટે તેને દાવેદાર માનવામાં આવે છે.
આ ભારતીય ખેલાડીઓનો સમાવેશ:
અભિમન્યુ ઈશ્વરન ઉપરાંત ત્રિપુરાના મણિશંકર મુરાસિંઘને રૂ.30 લાખ, ઉત્તર પ્રદેશના સ્વસ્તિક ચિકારાને રૂ.30 લાખ, હૈદરાબાદના ચામા મિલિંદને રૂ.30 લાખ, કર્ણાટકના કે.એલ. શ્રીજીથને રૂ.30 લાખ, છત્તીસગઢના રાહુલ રાજ નમલાને રૂ.30 લાખ, ઝારખંડના વિરાટ સિંહને રૂ.30 લાખ, મધ્યપ્રદેશના ત્રિપુરેશ સિંહને રૂ.30 લાખ, ઓડિશાના રાજેશ મોહંતીને રૂ.30 લાખ, ઓડિશાના સ્વસ્તિક સામલને રૂ.30 લાખ, મદરાન પ્રદેશના સારાંશ જૈનને રૂ.30 લાખ, આંધ્રના સૂરજ સંગારાજુને રૂ.30 લાખ અને હૈદરાબાદના તન્મય અગ્રવાલને રૂ.30 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઓક્શન રજીસ્ટરમાં ઉમેરવામાં આવ્યા છે.
આ વિદેશી ખેલાડીઓને ઉમેરવામાં આવ્યા:
કેટલાક વિદેશી ખેલાડીઓ પણ ઓક્શન રજિસ્ટરમાં ઉમેરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટર કાયલ વેરેન રૂ.1.25 કરોડની બેઝ પ્રાઈસ સાથે ઓક્શન લિસ્ટમાં ઉમેરાવમાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એથન બોશને રૂ.75 લાખ, ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીને રૂ.75 લાખ, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર બેન સીઅર્સ રૂ.1.5 કરોડ, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ક્રિસ ગ્રીનને રૂ.75 લાખ, મલેશિયાના વિરનદીપ સિંહને રૂ.30 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઓક્શન રજીસ્ટરમાં ઉમેરવામાં આવ્યા છે.
આટલા ખેલાડીઓની ખરીદી થશે:
આમાંથી નવ ખેલાડીઓ એવા છે, જેમને શરૂઆતની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ તેમને બહાર કરવામાં આવ્યા હતાં. હવે હરાજીના 24 કલાક પહેલા તેમને ફરી રજીસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. IPL 2026 ઓક્શનન માટેના રજીસ્ટરમાં ખેલાડીઓની સંખ્યા 369 થઇ છે, જેમાંથી 77 ખેલાડીઓનીઓ ખરીદી થશે.