જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષની ઉજવણીના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જેમાં મંગળવારે જમ્મુ બસ સ્ટેન્ડ પર એક શંકાસ્પદ બેગ જોવા મળ્યાના અહેવાલથી સુરક્ષા એજન્સીઓને સતર્ક બની હતી. આ બેગ વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને મુસાફરોને સલામત અંતર જાળવવા સૂચના આપી હતી.
બેગમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક નથી મળ્યા
જોકે, આ બેગની તપાસ બાદ અધિકારીઓએ પુષ્ટિ કરી કે બેગમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક નથી મળ્યા. પોલીસે બેગને પોતાના કબજામાં લીધી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે કે બેગ કોણે ત્યાં મૂકી હતી કે પછી મુસાફરનો સામાન હતો રહી ગયો હતો. આ તપાસ પૂર્ણ થયા બાદ બસ સ્ટેન્ડ પર ટ્રાફિક અને અન્ય પ્રવૃત્તિઓ સરળતાથી શરૂ થઈ છે.
જમ્મુમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
નવા વર્ષની ઉજવણી દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે, સમગ્ર જમ્મુ વિભાગમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સુરક્ષા દળો જમ્મુના શહેરી વિસ્તારો તેમજ કિશ્તવાડ, ડોડા, પૂંચ અને રાજૌરી જિલ્લાના ઉપરના પહાડી વિસ્તારોમાં એક મોટું આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. તેમજ જાહેર સ્થળો, બજારો અને હોટલોમાં આવતા મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે.
નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓની ભીડ
જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ સ્થળો અને ગતિવિધિઓ પર નજર રાખવા માટે પોલીસે અનેક સ્થળોએ રેડ પણ પાડી રહી છે. શ્રીનગરના શહેરી વિસ્તારોમાં અનેક સ્થળોએ ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. નવા વર્ષની ઉજવણી માટે ગુલમર્ગ, પહલગામ અને શ્રીનગરમાં પ્રવાસીઓની ભીડ વધવાની ધારણા છે. જેમાં દલ લેક અને તેની આસપાસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શિકારા અને ઘાટ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.