શ્વેતા જોષી-અંતાણી
આંખના પલકારામાં સમય બદલાય જાય. હજુ નાનપણની નિર્દોષતાને સરખું ‘આવજો’ ના કર્યું હોય ત્યાં ટીનએજ પણ ‘ટાટા બાય-બાય’ કરી દે. તરુણાવસ્થાનું ભારણ ઉતરતાં વેંત એ સમજાય જાય કે તમે હવે એડલ્ટ છો. એક જવાબદાર યુવાન, જેનાથી સમયે એનું બાળપણ હંમેશ માટે છીનવી લીધું છે.
બારમું ધોરણ પૂરું થવા આવ્યું. શ્રીજા અને ઈશાન હવે અલગ ઝોનમાં પ્રવેશ્યા. કોલેજ એપ્લિકેશન્સ, એન્ટ્રાન્સ એક્ઝામ, કેરિયર ક્ધફ્યુઝન સાથે યુવાવસ્થાએ જિંદગીમાં નવો અડ્ડો જમાવ્યો. પરિપક્વતા પણ એમની વચ્ચે કોઈ ઔપચારિક અનાઉન્સમેન્ટ વગર આવી ગયેલી. ધીમે-ધીમે, શાંતિથી ખૂબ સહજતાપૂર્વક મેચ્યોરિટીએ એમના સંબંધમાં પોતાના ડગ માંડેલા.
એક સાંજે બંને લાઈબ્રેરી બહાર બેઠા હતા. પુસ્તકો કરતાં નિર્ણયોનો ભાર આજે વધુ લાગતો હતો. ઈશાન વેબસાઈટ પર વિકલ્પો તપાસી રહેલો. કમ્પ્યુટર સાયન્સ, ડેટા એનાલિસ્ટ, એન્જિનિયરિંગ વગેરે તો શ્રીજા સાહિત્ય, સાયકોલોજી, માસ કમ્યુનિકેશન જેવા કોર્સની વિગતો જોઈ રહી હતી. બહુ અલગ હતા એ બંને. તેમ છતાં જોડાયેલાં. ઈશાને પૂછ્યું, ‘સો, યુ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર અપલાય્ડ સાયન્સ?’
શ્રીજા હસીને બોલી:
‘ના, મને નથી લાગતું કે હું વિજ્ઞાન માટે કે વિજ્ઞાન મારા માટે બનેલું હોય.’
બંને હસ્યાં, પરંતુ અંદરથી એમને ખ્યાલ હતો કે, એમના રસ્તાઓ હવે અલગ થઈ રહ્યાં છે. લાગણીઓ થકી નહીં, પરંતુ વ્યવહારિક રીતે એમની દિશાઓ બદલાય રહી છે.
ઈશાને થોડાં ખચકાટ સાથે પૂછ્યું: ‘શું તને ગમશે કે આપણે અલગ અલગ શહેરમાં રહીશું?’
શ્રીજા મૌન રહી. એની આંખોમાં મિશ્ર ભાવ ઊમટી આવ્યા. એક તરફ કારકિર્દી બનાવવાની તાલાવેલી છે તો બીજી તરફ ઈશાન તરફની લાગણીઓ ઉછાળા મારે છે. હજુ હમણાં સુધી કોઈ શ્રીજાને પૂછે તો એણે ચોક્કસ ઈશાનની સાથે જવાનું નક્કી કર્યું હોત, પણ આજે સમય જુદો છે. તરુણાવસ્થા એના છેલ્લા ચરણમાં થોડી સમજણના અમી છાંટણા કરી ગઈ હોય એમ શ્રીજા બોલી:
‘આપણા સંબંધને ટકાવી રાખવા એક જ જગ્યાએ જડ બની રહેવું યોગ્ય નથી. જો એવું હોય તો હું જે વિચારુ છું એવો આપણો સંબંધ નથી કદાચ!’
ઈશાન આભો બની ગયો. અત્યાર સુધી એણે શ્રીજાને સખ્ત ઈમ્પલ્સીવ થતાં જોયેલી. ખાસ કરીને ઈશાનનું નામ પડે ત્યાં તો એ વધુ આવેશમાં આવી જતી, પરંતુ આજે શ્રીજાના મોં એ આવી વાતો સાંભળી એને સુખદ આંચકો લાગ્યો. એ શ્રીજાના વિચારોથી ઈમ્પ્રેસ થઈ ઊઠ્યો:
‘હમ્મ.. હમ્મ, ગ્રોન અપ ગર્લ. તું તો મોટી થઈ ગઈ.’ ઈશાને ચીડવતાં કહ્યું.
‘તું તો પહેલાથી જ મોટો હતો’ શ્રીજાએ ધબ્બો મારતાં કહ્યું.
પ્રેમ સરળ હોવો જોઈએ, જેમાં કોઈ પણ સમયે અલગ થવાં પર કંઈક છૂટી જવાનો ભાવ મનમાં ન આવે.પ્રેમ એ જીવનનું અંતિમ ધ્યેય નથી હોતું. એ કોઈના માટે વ્યક્તિગત સફળતાની ખુશીનું કારણ પણ હોય છે. કદાચ એટલે જ ઘણા પ્રતિભાશાળી અને સફળ લોકો સંબંધને બદલે કારકિર્દી પર પસંદગી ઢોળે છે. આ પ્રકારની ઘણી વાતો એ બંને વચ્ચે આખી સાંજ ચાલી.
કદાચ આજની વાતચીતમાં પહેલીવાર કોઈ ચાઈલ્ડીશ રોમાન્સ નહોતો, પણ સમજદારી હતી.
થોડાં અઠવાડિયા પછી રિઝલ્ટ આવ્યાં. શ્રીજા હ્યુમાનિટીઝ વિષયોમાં ઝળહળી તો ઈશાન સાયન્સ સબજેક્ટમાં ઝળકી ઊઠ્યો. આગળ શું કરવું એ માટે અનેક મંતવ્યો આવવાના ચાલું થયાં. ટીચર્સ, પેરેન્ટ્સ, રિલેટીવ્ઝ, ફ્રેન્ડ્સ દરેક પાસે સલાહ-સૂચનોનો ભંડાર હતો. કારકિર્દીની પસંદગી એ જાણે જાહેર વિષય હોય એમ દરેક પાસે એક જ વાત રહેતી : હવે શું કરવાના છો? પણ શ્રીજા મક્કમ હતી ને ઈશાન મજબૂત. તરુણાવસ્થાના છેલ્લા પડાવે એ શાંત રહેતા થોડું શીખેલા.
અંતે એમણે ધારેલું પાર પાડ્યું. ઈશાન ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં દાખલ થયો અને શ્રીજા ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં. અને ધાર્યા મુજબ જ બંનેના શહેરો અલગ થવાના હતાં. જોત-જોતામાં એડમિશન પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ. ઈશાનના જવાનો દિવસ આવ્યો. અને...
...અને એમની વચ્ચે આજે શબ્દોના બદલે મૌન બેઠું. આમ દુ:ખ પમાડનારે એવું નહીં, પણ પોતાની હાજરી પૂરાવે એવું.
‘સો, ફાયનલી આપણે આમ હવે રોજ નહીં મળી શકીએ’ ઈશાને ધીમેથી થોડાં ક્ધસર્ન સાથે કહ્યું:
‘હા, આપણો ગ્રોથ થશે. ભલે અલગ જગ્યાઓ પર, પણ વી વીલ બી સક્સેસફૂલ’. શ્રીજા જાણે ઈશાનની સાથોસાથ જાતને સમજાવતી હોય એમ બોલી.
"હું માનતો હતા એના કરતાં તું વધારે મજબૂત નીકળી શ્રીજા’, કહેતો ઈશાન એને ભેટી પડ્યો. આંખોમાં ઝળઝળિયા હતાં તોય શ્રીજાના બત્રીસે કોઠે દીવા ઝગી ઊઠ્યાં. એક ગર્વિષ્ઠ સ્મિત થકી હોઠ મલકાયા. આંખ મીંચી ઈશાનની હૂંફ અનુભવતા એ બોલી :
‘યુ આર માય સેફેસ્ટ પ્લેસ....એક એવી જગ્યા જ્યાં હું સુરક્ષિત છું. તને ખબર છે? વી વીલ ઓલ્વેઝ બી ટુગેધર.’
કોઈ નૌટંકી નહીં, કોઈ વચનો નહીં, કોઈ હો-હા વગર એ બે યુવા હૃદય ભવિષ્યનાં સપનાં સેવતાં અલગ દિશાઓ તરફ ફંટાયા. કારણકે, એમણે કેળવેલી પુખ્તતા અને સમજદારી એ સમજવા માટે પૂરતી હતી કે,
You can chase your dream. You can chase your love.
But sometimes you can't have both '