Thu Dec 11 2025

Logo

White Logo

શૅરબજારમાં મીશોનું ધમાકેદાર લિસ્ટિંગઃ : 46 ટકાના પ્રીમિયમથી શરૂઆત, એક્વસ અને વિદ્યા વાયર્સના લિસ્ટિંગમાં પણ ઉછાળો

12 hours ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ મીશોના શૅરનું BSE અને NSE પર ₹111ના ઈશ્યૂ ભાવ સામે 46%થી વધુ પ્રીમિયમથી ધમાકેદાર લિસ્ટિંગ. ઉપરાંત, એક્વસના શૅરમાં 13% પ્રીમિયમ અને વિદ્યા વાયર્સના શૅરમાં 12%નો ઉછાળો જોવા મળ્યો. જાણો ત્રણેય કંપનીઓના IPO લિસ્ટિંગની સંપૂર્ણ વિગતો.ઈ-કૉમર્સ કંપની મીશોના શૅરનું આજે શૅરદીઠ રૂ. 111ના ઈશ્યૂ ભાવ સામે સિમાચિહ્નરૂપ 46 ટકા કરતાં વધુ માત્રાના પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું.

આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે કંપનીના શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 111ના ઈશ્યૂ ભાવ સામે 46.4 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા બાદ ભાવ 55.58 ટકા વધીને શૅરદીઠ રૂ. 172.70ની સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે 53.23 ટકા વધીને રૂ. 170.09ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ ઈશ્યૂ ભાવ સામે 45.22 ટકા વધીને શૅરદીઠ રૂ. 161.20ના ભાવથી થયું હતું તેમ જ આરંભિક તબક્કામાં બીએસઈ અને એનએસઈ ખાતે કંપનીનું માર્કેટ વૅલ્યૂએશન અનુક્રમે રૂ. 77,355.07 કરોડ અને રૂ. 77,273.83 કરોડની સપાટીએ રહ્યું હતું. સત્રના અંતે બીએસઈ ખાતે શૅરના ભાવ 53.33 ટકા વધીને શૅરદીઠ રૂ. 170.20ની સપાટીએ બંધ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મીશોના આરંભિક ભરણાંના અંતિમ દિવસે ભરણું 79.02 ગણું છલકાઈ ગયું હતું. વધુમાં રૂ. 5421 કરોડની આ ઈનિશિયલ પબ્લિક ઑફર માટેની પ્રાઈસ બૅન્ડ શૅરદીઠ રૂ. 105થી રૂ. 111 નિર્ધારિત કરવામાં આવી હતી. તેમ જ કંપનીના કુલ ભરણાંમાં રૂ. 4250 કરોડનાં નવા શૅરનો અને ઓફર ફોર સેલમાં રૂ. 1171 કરોડના મૂલ્યનાં 10.55 કરોડ શૅરનો સમાવેશ થતો હતો.

એક્વસના શૅરનું 13 ટકા પ્રીમિયિમે લિસ્ટિંગ બાદ બાવીસ ટકાનો ઉછાળો

કંજયૂમર ડ્યુરેબલ ગૂડ્સ અને એરોસ્પેસ પાર્ટસ માટેની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની એક્વસના શૅરનું આજે શૅરદીઠ રૂ. 124ના ઈશ્યૂ ભાવ સામે 13 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક્વસના શૅરનું લિસ્ટિંગ 12.90 ટકાના પ્રીમિયમ સાથે શૅરદીઠ રૂ. 140ના ભાવથી લિસ્ટિંગ થયું હતું અને ત્યાર બાદ બીએસઈ અને એનએસઈ ખાતે શૅરના ભાવ બાવીસ ટકા વધીને અનુક્રમે શૅરદીઠ રૂ. 151.15 અને 151 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને કંપનીનું બીએસઈ ખાતે માર્કેટ વેલ્યુએશન રૂ. 9989.56 કરોડની સપાટીએ રહ્યું હતું. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે ભાવ ઈશ્યૂ ભાવ સામે 22.18 ટકા વધીને રૂ. 151.50ના મથાળે અને એનએસઈ ખાતે ભાવ 22.01 ટકા વધીને રૂ. 151.29ના મથાળે બંધ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે કંપનીનું રૂ. 922 કરોડના આરંભિક ભરણાને સારો પ્રતિસાદ મળતાં 101.63 ગણું છલકાઈ ગયું હતું. કંપનીએ ભરણાં માટે પ્રાઈસબૅન્ડ શૅરદીઠ રૂ. 118થી 124 નિર્ધારિત કરી હતી.

કંપનીના આઈપીઓમાં નવા રૂ. 670 કરોડના શૅરનો સમાવેશ થતો હતો અને રૂ. 252 કરોડના મૂલ્યનાં 2.03 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થતો હતો.

વિદ્યા વાયર્સના શૅરનું ભાવ ટૂ ભાવ લિસ્ટિંગ બાદ 12 ટકા ચમકારો

વાઈન્ડિંગ અને ક્નડક્ટિવિટી ઉત્પાદનકર્તા કંપની વિદ્યા વાયર્સના શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 52ના ઈશ્યૂ ભાવ સામે નગણ્ય સુધારા સાથે થયા બાદ 12 ટકા જેટલો ચમકારો જોવા મળ્યો હતો.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે કંપનીના શૅરનું લિસ્ટિંગ શૅરદીઠ રૂ. 52ના ઈશ્યૂ ભાવ સામે સાધારણ 0.25 ટકા વધીને રૂ. 52.13ના મથાળે થયું હતું. જોકે, ત્યાર બાદ શૅરના ભાવમાં બાઉન્સબૅક જોવા મળતાં ભાવ 12.46 ટકા વધીને શૅરદીઠ રૂ. 58.48 સુધી પહોંચ્યા હતા. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ ભાવ ટૂ ભાવ ધોરણે થયા બાદ ભાવ 12.40 ટકા વધીને શૅરદીઠ રૂ. 58.45 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ કંપનીનું બીએસઈ ખાતે માર્કેટ વૅલ્યૂએશન રૂ. 1205.11 કરોડના સ્તરે રહ્યું હતું. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે શૅરના ભાવ ઈશ્યૂ ભાવ સામે 2.19 ટકા વધીને શૅરદીઠ રૂ. 53.14 અને એનએસઈ ખાતે શૅરના ભાવ 2.25 ટકા વધીને શૅરદીઠ રૂ. 53.17ના મથાળે બંધ રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત એ છે કે વિદ્યા વાયર્સ લિ.ના રૂ. 300 કરોડનું આ આરંભિક ભરણું 26.59 ગણું ભરાઈ ગયું હતું. તેમ જ કંપનીના કુલ ભરણામાં રૂ. 274 કરોડના નવા શૅર જારી કરવાનો અને રૂ. 26 કરોડનાં મૂલ્યના 50.01 લાખ ઓફર ફોર સેલનો સમાવેશ થતો હતો.