Thu Jan 01 2026

Logo

White Logo

એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ : જો આ કામ નહીં કર્યું તો પાસ હોવા છતાં ભરવો પડશે દંડ...

3 weeks ago
Author: Darshana Visaria
Video

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને એમાં પણ હવે તો મુંબઈગરાની સુવિધા માટે રેલવે દ્વારા એસી લોકલ દોડાવવામાં આવે છે. જો તમે પણ એસી લોકલમાં મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેમાં દિવસે દિવસે બનાવટી ટિકિટ કે પાસ બનાવવાના પ્રકરણોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે ત્યારે રેલવે દ્વારા આવી ઘટનાઓ પર લગામ લગાવવા માટે મહત્ત્વનું પગલું લીધું છે. પ્રવાસીઓએ હવે ટીસીને પોતાની પાસની સાથે સાથે આઈડી કાર્ડ દેખાડવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આખી ઘટના વિસ્તારથી... 

મળતી માહિતી અનુસાર મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા એસી લોકલ ટ્રેનના બનાવટી ટિકિટ પાસ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. યુટીએસ એપની ઓનલાઈન ટિકિટ અને પાસ માન્ય કરવાની સાથે સાથે ઓફલાઈન પદ્ધતિથી કઢાવવામાં આવેલા પાસની સાથે આઈડી કાર્ડ દેખાડવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સંબંધિત વરિષ્ઠ અધિકારી દ્વારા મધ્ય અને પશ્ચિમ બંને રેલવેના વરિષ્ઠ અધિકારીઓને આ બાબતના આદેશો આપવામાં આવ્યા છે. 

બનાવટી ટિકિટ પાસની સમસ્યાનો ઉકેલ લાવવા માટે શુક્રવારે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં એઆઈનો ઉપયોગ કરીને, એડિટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને એસી લોકલની બનાવટી પાસ બનાવવામાં આવતી હોવાની ઘટનાઓ વધી રહી છે. મધ્ય રેલવે પર ત્રણ અને પશ્ચિમ રેલવે પર બનેલી બે ઘટનાઓમાં રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. 

રેલવે દ્વારા આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને એ માટે રેલવે દ્વારા હવે ઓફલાઈન પદ્ધતિથી કઢાવેલા પાસ સાથે પ્રવાસીઓએ આઈડી કાર્ડ દેખાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે ફ્રવાસીઓ ઓફલાઈન પદ્ધતિથી પાસ કઢાવે છે ત્યારે તેમની પાસે આધારકાર્ડ આઈડી પ્રૂફ તરીકે માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં ઓફલાઈન પદ્ધતિથી પાસ કઢાવનારા પ્રવાસીઓએ ટીસીને આધારકાર્ડ પણ દેખાડવું પડશે. જો કોઈ પ્રવાસી આઈડી કાર્ડ દેખાડવામાં નિષ્ફળ જશે તો તેણે પાસ હોવા છતાં પણ દંડ ફટકરાવામાં આવશે. 

આ ઉપરાંત ટિકિટ ચેકરે યુટીએસ એપમાં કઢાવેલા ઓનલાઈન ટિકિટ પાસને જ માન્ય કરવા, એ સિવાય બીજી કોઈ એપમાં દેખાડવામાં આવતી ઓનલાઈન ટિકિટ કે પાસને માન્ય નહીં ગણવામાં આવે, એવી ચેતવણી પણ આપવામાં આવી છે. 

રેલવે એક્ટ અનુસાર ટિકિટ કે પાસ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ બનાવટી ટિકિટ કે પાસ પર પ્રવાસ કરવો એ છેતરપિંડી છે. આવી કિસ્સામાં આઈપીસીની કલમ 318 (2), 336 (3) અને (4), 340 (1) અને 2, 3 (5) અનુસાર આશરે સાત વર્ષ સુધી જેલની સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.