Thu Dec 11 2025

Logo

White Logo

મુંબઈમાં હવાની ગુણવત્તામાં સુધારો: સરેરાશ એક્યુઆઈ ૧૦૦ : નવેમ્બરથી એક્યુઆઈ ૧૫૦થી ૨૦૦ની વચ્ચે નોંધાઈ રહ્યો હતો.

12 hours ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈના વાતાવરણમાં રહેલા પ્રદૂષણને કારણે મુંબઈગરા પોતાના શ્ર્વાસમાં ઝેર ભરી રહ્યા હોવાની સતત ફરિયાદ પર્યાવરણ નિષ્ણાતો કરી રહ્યા હતા. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક ઉપાયયોજના પણ પાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ત્યારે લાંબા ગાળા બાદ બુધવારે મુંબઈમાં હવાની ગુણવત્તામાં હળવો સુધારો નોંધાયો હતો. મુંબઈમાં સાંજના સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેકસ (એક્યુઆઈ)૧૦૦ (સમાધાનકારક શ્રેણી) નોંધાયો હતો.

મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. તે માટે મુંબઈમાં ચાલી રહેલા જુદા જુદા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોેજેક્ટ સહિત મોટા પ્રમાણમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટને માનવામાં આવે છે. સામાન્ય રીતે મુંબઈમાં નવેમ્બરમાં શિયાળાના આગમન સાથે જ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધી જતું હોય છે. છેલ્લા એક મહિનાથી મુંબઈના અનેક વિસ્તારમાં હવાની ગુણવત્તા સતત જોખમી સ્તરે નોંધાઈ રહી હતી. એક્યુઆઈ સતત ૧૫૦થી ૨૦૦ની વચ્ચે નોંધાઈ રહ્યો છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા દ્વારા અનેક ઉપાયયોજના અમલમાં પણ મૂકવામાં આવી રહી છે ત્યારે બુધવારે મુંબઈના વાતાવરણમાં હળવો સુધારો જણાયો હતો.

સાંજના સાત વાગે મુંબઈના સરેરાશ એક્યુઆઈ ૧૦૦ નોંધાયો હતો. મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તામાં સુધારો જણાયો હતો.બુધવારે બોરિવલી, અંધેરી, કુર્લા, મઝગાંવ, સિદ્ધાર્થ નગર-વરલી, વિલેપાર્લે અને વરલી જેવા વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર ઘટીને સમાધાનકારક હવા નોંધાઈ હતી. આ વિસ્તારોમાં અનુક્રમે ૬૫,૫૬,૮૧,૮૭,૭૪,૯૨,૭૬ અને ૯૧ જેટલો એક્યુઆઈ નોંધાયો હતો. તો પવઈમાં  પણ પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું હોવાનું જણાયું હતુંં. આ તમામ વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી એક્યુઆઈ ૧૫૦થી ૨૦૦ની આસપાસ નોંધાઈ રહ્યો હતો. મુખ્યત્વે બોરિવલી, મઝગાંવ અને વરલીમાં વાતાવરણમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ રહ્યું હતું.

મુંબઈમાં ઠંડી-ગરમી

મુંબઈગરાએ બુધવારે ઠંડી અને ગરમી એમ બંને સીઝનનો અનુભવ કર્યો હતો. સતત બીજા દિવસે વહેલી સવારના લઘુતમ તાપમાન ઓછું નોંધાયું હતું પણ દિવસનું મહત્તમ તાપમાન ઊંચુ નોંધાતા ઠંડી અને ગરમી બંને એક દિવસમાં જણાઈ હતી. વહેલી સવારના સાંતાક્રુુઝમાં લઘુતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી તો મહત્તમ તાપમાન ૩૪.૧ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન ૨૦.૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજ્યમાં સતત બીજા દિવસે અહમદનગર સૌથી વધું ઠંડુ શહેર રહ્યું હતું. બુધવારને અહીં ૭.૫ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો જળગાંવમાં ૮.૦, નાશિકમાં ૮.૧ ડિગ્રી,  પુણેમાં ૮.૪ ડિગ્રી, માલેગાંવમાં ૯.૪ ડિગ્રી તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં પારો ૧૧.૬ ડિગ્રી અને વિદર્ભના નાગપુરમાં પારો ૮.૦ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો.