મુંબઈઃ નવા વર્ષ નિમિત્તે મુંબઈ સબર્બન રેલવે 31 ડિસેમ્બરના બુધવારે વિશેષ લોકલ ટ્રેન મોડી રાત સુધી દોડાવવાની જાહેરાત કર્યા પછી હવે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRC) નવા વર્ષ માટે મોડી રાત સુધી ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. 31 ડિસેમ્બરના રાત્રે ઉજવણી માટે બહાર જતા મુસાફરોની સુવિધા માટે 'એક્વાલાઇન' (મેટ્રો-૩) આખી રાત ચાલુ રહેશે. જેથી મધ્યરાત્રિએ ઘરે પાછા ફરતા મુસાફરોને ટેક્સી કે રિક્ષાની રાહ જોવાની જરૂર રહેશે નહીં.
આ ખાસ સેવા 31 ડિસેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થઈને 1 જાન્યુઆરી, 2026ના સવારે 5:55 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે. ત્યાર બાદ 1 જાન્યુઆરીના રોજ નિયમિત મેટ્રો સેવા સવારે 5:55 વાગ્યાથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. આનો અર્થ એ થયો કે મુંબઈવાસીઓ 31 ડિસેમ્બરની સવારથી શરૂ થયેલી સેવાનો લાભ 1 જાન્યુઆરીની રાત સુધી સતત લઇ શકશે.
નવા વર્ષને આવકારવા માટે મુંબઈમાં ભારે ભીડ જોવા મળે છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ ટાળવા અને મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને પરિવારો માટે સલામતીની દ્રષ્ટિએ આ રાત્રિ મેટ્રો મુસાફરી અત્યંત અનુકૂળ રહેશે. મેટ્રો વહીવટીતંત્રે મુસાફરોને નવા વર્ષની ઉજવણી કરતી વખતે મેટ્રોના નિયમોનું પાલન કરવા અને આ ખાસ સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે.