વિવિધ સિક્યોરિટી એજન્સીના જવાનો અને ટ્રાફિક પોલીસ ખડેપગે: ઠેકઠેકાણે નાકાબંધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષને વધાવવા થર્ટીફર્સ્ટની રાતે વિવિધ ઠેકાણે થનારા કાર્યક્રમો અને પાર્ટીઓને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી લીધી છે. વિવિધ સિક્યોરિટી એજન્સીના જવાનો, ટ્રાફિક પોલીસ અને 17,099 પોલીસ શહેરના માર્ગો પર તહેનાત રહેશે. ઠેકઠેકાણે નાકાબંધીની પણ જાહેરાત કરવામાં આવી હોઈ દારૂના નશામાં વાહન ચલાવનારા પર કડક નજર રાખવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓનું આવી બનશે, એવું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
થર્ટીફર્સ્ટની રાતે દરિયાકિનારા, હોટેલ અને મૉલ જેવાં સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ થતી હોય છે. પરિણામે આવાં સાર્વજનિક સ્થળો, હોટેલ, શૉપિંગ મૉલ સહિતના વિવિધ ઠેકાણે પોલીસ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવશે. ડેપ્યુટી પોલીસ કમિશનર અકબર પઠાણે જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વસંધ્યાએ શહેરમાં કડક પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે. આ માટે 10 એડિશનલ પોલીસ કમિશનર, 38 ડેપ્યુટી પોલીસ કમિશનર, 61 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સાથે 2,790 પોલીસ અધિકારી અને 14,200 કોન્સ્ટેબલ તહેનાત રહેશે.
અધિકારીના જણાવ્યા મુજબ મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફની પ્લૅટૂન્સ, ક્યૂઆરટીની ટીમ, બીડીડીએસની ટીમ, આરસીપી, હોમગાર્ડ્સને પણ ગોઠવી દેવામાં આવશે. એ સિવાય વિવિધ ઠેકાણે નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવશે. જરૂર પડ્યે શકમંદોને તાબામાં લઈ પૂછપરછ પણ કરવામાં આવશે.કાયદો વ્યવસ્થા જાળવવા ભીડને ઠેકાણે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે તો ફિક્સ પૉઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવશે.
પોલીસે અપીલ કરી હતી કે નાગરિકોએ નવા વર્ષની ઉજવણી નિયમોનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે કરવી. શંકાસ્પદ વ્યક્તિ કે એવી પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમમાં 100/112 નંબર પર સંપર્ક સાધવાની વિનંતી પોલીસે કરી છે.
AI