Thu Jan 01 2026

Logo

White Logo

સગીરાની જાતીય સતામણીના કેસમાં આઠ : વર્ષ જેલમાં વિતાવનારો શખસ દોષમુક્ત

3 weeks ago
Author: Yogesh C Patel
Video

મુંબઈ: સગીરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરાયેલા 56 વર્ષના શખસે આઠ વર્ષ જેલમાં વિતાવ્યા પછી ટ્રાયલ કોર્ટે પુરાવાને અભાવે તેને દોષમુક્ત જાહેર કર્યો હતો.
નજીવી બૌદ્ધિક અક્ષમતાથી પીડાતી સગીરાનું નિવેદન અન્ય પુરાવાથી વિરોધાભાસી હોવાની નોંધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટના કેસોની વિશેષ અદાલતે કરી હતી.

ચુકાદામાં જજ એન. ડી. ખોસેએ અવલોકન કર્યું હતું કે તપાસકર્તા પક્ષે રજૂ કરેલા પુરાવા શંકાની પાર કસૂર સિદ્ધ કરવા પૂરતા નથી.  તપાસકર્તા પક્ષ અનુસાર ઘટના મલાડ પૂર્વના કુરાર વિલેજ પરિસરમાં 23 ઑગસ્ટ, 2017ના રોજ બની હતી. આરોપી સગીરાની પડોશમાં રહેતો હતો. ઘટનાને દિવસે સગીરા એકલી હતી ત્યારે આરોપી તેના ઘરમાં ઘૂસ્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી. પછી તેને અને તેના પરિવારને ધમકી આપી હતી.

જોકે સગીરાની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. 24 ઑગસ્ટ, 2017ના રોજ આરોપીની ભારતીય દંડ સંહિતા અને પોક્સોની સુસંગત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર ઘટના સમયે પીડિતા 17 વર્ષની હતી. જોકે કોર્ટે નોંધ કરી હતી કે સગીરાના પુરાવા આત્મવિશ્ર્વાસ પ્રેરિત કરતા નથી, કારણ કે તેણે વાસ્તવમાં તેની સાથે શું થયું હતું તેની વિગતો આપી નથી.

આટલું જ નહીં, રેકોર્ડ પરના તબીબી પુરાવા સગીરાના પુરાવાથી સાવ વિરોધાભાસી છે, એવી ગંભીર નોંધ કોર્ટે કરી હતી. વિશેષ જજે તારણ કાઢ્યું હતું કે પીડિતા 18 વર્ષથી ઓછી વયની હતી અને માનસિક રીતે સહેજ અસ્થિર હતી એ જાણવા છતાં આરોપીએ દુષ્કર્મ કર્યું એ સિદ્ધ કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે. જો આરોપી અન્ય કોઈ કેસમાં સંડોવાયેલો ન હોય તો તેને છોડી મૂકવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. (પીટીઆઈ)