નવી દિલ્હીઃ સપ્ટેમ્બરમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતની મેન્સ ટીમે એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ જીતી લીધી હોવા છતાં ભારતીય ટીમને ટ્રોફીથી વંચિત રાખનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ નવો વિવાદ ઊભો કર્યો છે જેમાં તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા ટી-20ના વર્લ્ડ કપ માટે તમે જે પ્રમોશનલ પોસ્ટર બહાર પાડ્યું છે એમાં અમારા ટી-20 કૅપ્ટન સલમાન આગાને કેમ નથી સમાવ્યો?
પીટીઆઇના અહેવાલ અનુસાર પીસીબીના એક આધારભૂત સૂત્રએ એવું કહ્યું હતું કે ` પ્રમોશનલ પોસ્ટરમાં માત્ર પાંચ કૅપ્ટન (ભારતનો સૂર્યકુમાર યાદવ, સાઉથ આફ્રિકાનો એઇડન માર્કરમ, ઑસ્ટ્રેલિયાનો મિચલ માર્શ, શ્રીલંકાનો દાસુન શનાકા અને ઇંગ્લૅન્ડનો હૅરી બ્રૂક)ને સમાવવામાં આવ્યા છે. થોડા મહિના પહેલાં એશિયા કપ વખતે પણ અમારી સાથે આવું જ બન્યું હતું. ત્યારે બ્રૉડકાસ્ટર્સે અમારા કૅપ્ટનનો સમાવેશ કર્યા વગર ટૂર્નામેન્ટનું પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું. એ તો અમે ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે અમને ન્યાય મળ્યો હતો.'
પીસીબીએ એવું પણ જણાવ્યું છે કે ` આ વખતે અમે આઇસીસી સમક્ષ રજૂઆત કરી છે કે તમે વર્લ્ડ કપની ટિકિટોના વેચાણ માટે જે પોસ્ટર બહાર પાડ્યું છે એમાં અમારા કૅપ્ટન આગાને કેમ નથી સમાવ્યો?'
પીસીબીનું કહેવું છે કે ભલે, અમારી ટીમ ટી-20ના રૅન્કિંગ્સના ટૉપ-ફાઇવમાં નથી, પરંતુ આ ફૉર્મેટમાં અમારા દેશનો ઇતિહાસ ખૂબ સારો છે જ.'